તાપી : ડોસવાડા ખાતે સરકારશ્રીની ગાઇડલાઇન તેમજ જાહેરનામાની અમલવારી નહી કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી : પી.આઈ. ચૌધરી સસ્પેન્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોવિડ -૧૯ ની વૈશ્વિક મહામારી અન્વયે સરકારશ્રી દ્વારા કોવિડ -૧૯ ની મહામારીને અટકાવવા માટે વખતો વખત ગાઇડલાઇન તેમજ જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે. તા -૩૦ / ૧૧ / ૨૦૨૦ ના રોજ તાપી જીલ્લાના મોજે ડોસવાડા ગામે આયોજક – જીતુભાઇ ગામીત રહે. ડોસવાડા, તા – સોનગઢ , જી – તાપી દ્વારા લગ્ન / સગાઇ પ્રસંગ તથા તુલસી વિવાહના કાર્યક્રમનું આયોજન કરેલ હતુ. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી, જમણવાર કરવામાં આવેલ હતો. હાલમાં ચાલતી કોવિડ -૧૯ ની વૈશ્વિક મહામારી અનુસંધાને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન અને જાહેરનામાનો ભંગ કરી પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય આયોજકો તથા કાર્યક્રમમાં સંકળાયેલ લોકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સોનગઢ પો.સ્ટે. ખાતે ઇ.પી.કો. કલમ -૧૮૮, ૨૬૯, ૨૭૦ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ -૫૦ ( બી ) તથા એપેડેમીક એકટની કલમ -૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
સદર કાર્યક્રમના આયોજક તથા કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકોને આ મહામારીમાં કોરોના વાઇરસનું સંકમણ થવાથી લોકોના જાનનું જોખમ અને મૃત્યુ નિપજે તેવી જાણકારી હોવા છતાં કાર્યક્રમના આયોજન બાબતે કોઇપણ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કરેલ હોય ઉપરોકત ગુનાના કામે ઇ.પી.કો. કલમ -૩૦૮ મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે.
તેમજ શ્રી સી.કે. ચૌઘરી, પો.ઇ. સોનગઢ જીલ્લો – તાપી નાઓ સરકારશ્રી દ્વારા કોવિડ -૧૯ની મહામારીને અટકાવવા માટે બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન તેમજ જાહેરનામા બાબતે જાણકાર હોવા છતા આ કાર્યક્રમમાં હાજર રહી પ્રજામાં પોલીસ વિભાગની છાપ ખરાબ કરી ફરજમાં ગંભીર ઉપેક્ષા દાખવેલ હોય તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવામાં આવેલ છે. અતેમજ બીટ જમાદાર અનિરુદ્ધસિંહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.