કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા કોલીવાડ, નાનીચેર ખાતે ₹ ૩૩ લાખના ખર્ચે “અણુમથક મત્સ્ય ભવન” અને તરસાડાબાર ખાતે ₹ ૩૫ લાખના ખર્ચે “શાળાના ઓરડાઓ અને મધ્યાહ્ન ભોજન રસોઈઘરનું” નિર્માણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ તારીખ ૨૭/૧૧/૨૦૨૦ શુક્રવારના રોજ સાઇટ ડાયરેકરશ્રી એમ.પી. હંસોરાના વરદ્ હસ્તે સુરત જિલ્લાના માંડવી તાલુકાના નાનીચેર (કોલીવાડા) ખાતે નવનિર્મિત અણુમથક મત્સ્ય ભવન અને તરસાડાબાર પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત ત્રણ ઓરડાઓ તથા મધ્યાહ્ન ભોજન રસોઈઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તાપી નદી કિનારે આવેલા નાનીચેર, રતનિયા, તરસાડાબાર, વરજાખણ, રાજવડ અને વરેઠ પેટીયા વગેરે ગામોને આવરી લેતી શ્રી માંડવી તાલુકા મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળી લિ. કાકરાપાર સાથે આશરે ૪૫૦ જેટલા કુટુંબો સંકળાયેલ છે. આ મંડળી સાથે સંકળાયેલ તમામ સભ્યોની રોજગારીનું મુખ્ય સાધન માછીમારી છે. તાપી નદી પર નિર્ભર માછીમારોની મંડળી પાસે માછલીઓ અને ઝીંગાના લે-વેચ અને સંગ્રહ માટે કેન્દ્રિય માળખાકીય સુવિધા ઉપલબ્ધ ન હતી તેથી તેઓ હંગામી સ્થળેથી કામગીરી કરતાં આવેલ હતા. ગ્રામ પંચાયત નાનીચેર અને આસપાસના ગ્રામજનોની વિનંતીને ધ્યાને લઈ મત્સ્ય ઉદ્યોગ મંડળીના સભ્યોના લાભાર્થે કોલીવાડ, નાનીચેર ખાતે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા ₹ ૩૩.૦૦ લાખના ખર્ચે “અણુમથક મત્સ્ય ભવન”નું નિર્માણ કરવામાં આવેલ છે. આ ભવન થકી સમગ્ર વિસ્તારના માછીમારોને માછલીઓના લે-વેચ અને સંગ્રહ માટે એક સુવિધાજનક વ્યવસ્થા પ્રાપ્ત થયેલ છે.
તરસાડાબાર પ્રાથમિક શાળાના જૂના ઓરડાઓ અને મધ્યાહ્ન ભોજન રસોઈઘર ખુબ જ જર્જરિત થઈ ગયેલ હોવાથી ગ્રામ પંચાયતની વિનંતીને ધ્યાનમાં લઈ કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા ₹ ૩૫.૦૦ લાખના ખર્ચે “ત્રણ ઓરડાઓ તથા મધ્યાહ્ન ભોજન રસોઈઘર”નું નિર્માણ કરવામાં આવેલ છે. આ શાળામાં ૧૨૦ બાળકો અભ્યાસ કરે છે. આ સુવિધાઓ મળ્યેથી બાળકો સુવિધાજનક ભવનમાં બેસી અભ્યાસ કરી શકશે અને તેઓમાં અભ્યાસ પ્રત્યેના ઉત્સાહમાં વધારો થશે.
આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના અધિકારીઓ સર્વશ્રી બી. શ્રીધર, એ.સી.ઇ.(ઇએમજી), શ્રી બી.આર. પટેલ, સિવિલ ઇજનેર, શ્રી જી. શિવાકબીલ, પ્રબંધક(મા.સં.) નાનીચેર ગામના સરપંચશ્રી સંદીપભાઈ ચૌધરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીના પ્રમુખશ્રી વસંતભાઇ ચૌધરી તેમજ મંત્રીશ્રી અરવિંદભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તેમજ તરસાડાબાર ખાતે ગામના સરપંચશ્રી મધુબેન રાજુભાઇ,શાળાના આચાર્યશ્રી સુરેશભાઇ ચૌધરી તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ને અનુલક્ષીને બંને સ્થળે લોકાર્પણ કાર્યક્રમોમાં સામાજિક દૂરી અને ચહેરા પર માસ્ક પહેરવાની કાળજી રાખવામા આવી હતી તેમજ બંને સ્થળોએ માત્ર દસ-દસ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં ઉપરોક્ત કાર્યક્રમો સંપન્ન થયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other