માંગરોળ તાલુકાની કોસંબા પોલીસે ૧૪ વિવિધ ગુનામાં સડોવાયેલા આરોપીને ૬૬ હજારના મુદ્દામાલ સાથે અટક કરી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી. એસ. આઈ. પી. ડી. દવેના નેતૃત્વમાં અલગ અલગ પોલીસ ટીમો બનાવી કોસંબા ટાઉનમાં રાત્રી પેટ્રોલીંગ શરૂ કર્યું છે. ગત રાત્રીનાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ટીમને રાત્રીનાં બે વાગ્યે જુનાં કોસંબા જકાતનાકા પાસે એક શખ્સ ઉભો હતો.તેની પૂછપરછ કરતાં આ શખ્સએ પોતાનું નામ શેલેશ જીવરાજ ડાભી, ઉંમર ૨૬ વર્ષ, હાલ રહેવાસી કતારગામ, મૂળ રહેવાસી તાતરા જણાવ્યું હતું.એની પાસે હીરો સ્પ્લેનડર મોટરસાયકલ હતી જેનો આગળ જે પાછળ કોઈ રજિસ્ટ્રેશન નંબર લખેલો ન હતો. જેની કિંમત ૪૦ હજાર રૂપિયા, જ્યારે એની અંગ જડતી કરતા પાંચ જેટલાં મોબાઈલો મળી આવ્યા હતા. આ અંગે એની પૂછપરછ કરતાં એણે આ મોબાઈલો રાજ્યનાં વિવિધ સ્થળોએથી વાત કરવાના બહાને લોકો પાસેથી લઈ ચોરી લીધા હતા. જેની કિંમત ૨૬ હજાર રૂપિયા થાય છે. આમ કુલ ૬૬ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, એનાં ઇતિહાસની તપાસ કરતાં સને ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં રાજ્યનાં બોટાદ, અમદાવાદ, નર્મદા ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએથી ૧૪ જેટલાં મોબાઈલ, વાહન અને લૂંટ જેવા ગુનામાં આ શખ્સ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. કોસંબા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વધુ તપાસ ઇન્ચાર્જ પી.એસ.આઇ. પી. ડી. દવે તપાસ ચલાવી રહ્યા છે.