વ્યારા ખાતે મંત્રીશ્રી યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન અને કોવિદ-૧૯ અંગે સમીક્ષા બેઠક મળી
લોકોની પાયાની સુવિધાઓ ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં ઉપલબ્ધ કરાય તે જરૂરી : -પ્રભારી મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના નર્મદા, શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે જિલ્લા સેવાસદન વ્યારા ખાતે જિલ્લા આયોજન મંડળ અને કોવિદ-૧૯ અંગેની સમીક્ષા બેઠક મળી:
બેઠકમાં મંત્રીશ્રીએ લોકોની પાયાની સુવિધાઓ ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં ઉપલબ્ધ કરાય તે જરૂરી છે તેમ જણાવી તમામ અમલીકરણ અધિકારીઓને પ્રમાણિકતાથી, પરસ્પર સંકલન અને હકારાત્મક અભિગમ અપનાવી સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત વિકાસ કામો થાય તેની સતત કાળજી રાખવાનું જણાવી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય, સિંચાઈ, વીજળી, પીવાનું પાણી, કૃષિ, શિક્ષણ, સ્વચ્છતા જેવી બાબતોને પ્રાધાન્ય આપવા સાથે સરકારી નાણાંનો સુયોજિત ઉપયોગ કરી લોકોને તેનો પુરેપુરો લાભ મળે તેવી કામગીરી કરવા ખાસ અનુરોધ કર્યો હતો. સુચન કર્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા આયોજન મંડળની વિવિધ જોગવાઈઓ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં વિકાસ કામોની વિભાગવાર થયેલ ભૌતિક અને નાણાંકિય પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને રૂપિયા ૯૬૨.૧૨ કરોડના અંદાજિત ખર્ચે થનાર સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદવહન સિંચાઈ યોજનાની કામગીરી તેમજ આરોગ્ય , ખેતીવાડી વિભાગ દ્વારા અમલી યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ કોરોનાની મહામારીના લીધે બાકી રહેલ કામો તાત્કાલિક શરૂ કરવા તથા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પુરા કરવાનું જણાવી સબંધિત અધિકારીઓને જરૂરી કેટલાક રચનાત્મક સુચનો કરતા આગામી સમયમાં તાપી જિલ્લાને સ્વસ્થ્ય, સલામત અને સમૃધ્ધ રાખવા માટે સૌને સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ કોવિદ-૧૯ની મહામારી દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ અસરકારક કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા. અને આગામી સમયમાં પણ જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે માટે સતત ટેસ્ટીંગ કામગીરી વધારવા સુચન કર્યુ હતુ.
બેઠકની શરૂઆતમાં કલેક્ટરશ્રી આર.જે.હાલાણીએ સ્વાગત કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિકાસ યોજનાઓ અંતર્ગત હાથ ધરવામાં આવી રહેલ વિકાસ કાર્યોની માહિતી આપી હતી. તેમણે કોવિદ-૧૯ ની મહામારીના કારણે લીધે બાકી રહી ગયેલ તમામ કામો સમય મર્યાદામાં ગુણવતાયુક્ત રીતે ઝડપથી પુરા કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌને નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે યોજનાકિય કામોનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યુ હતુ.
બેઠકમાં જિલ્લા પોલિસ વડાશ્રી સુજાતા મજમુદાર, નાયબ વનસંરક્ષશ્રી આનંદકુમાર, અધિક કલેક્ટર બી.બી.વહોનિયા, વ્યારા પ્રાંત હિતેષ જોષી, પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, સિવીલ સર્જન ડો.નૈતિક ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, માર્ગ- મકાન,પાણી પુરવઠા તથા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરો સહિત ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
…….