ઓલપાડ નગર સહિત તાલુકાના ગામડાઓમાં દીપોત્સવી પર્વની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દીપાવલીનો તહેવાર સમગ્ર દેશના લોકો આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. આપણા સૌની જાણકારી મુજબ આ પર્વ મનના અંધકારને દૂર કરવા સાથે વ્યવહારિક જીવનના અંધકારને પણ દૂર કરવાનો પવિત્ર તહેવાર છે. દિપાવલી પર્વમાં પરંપરાગત રીતે દીવડા પ્રગટાવવાનું આગવું મહત્વ હોય છે. ભગવાન શ્રીરામના રાવણ વધ પછી અયોધ્યા પ્રવેશથી માંડીને અનેક અનિષ્ટોના નાશની કથાઓ અને અનેક અવતારોની વિજયકથાઓ આ દીપાવલી પર્વ સાથે જોડાયેલી છે.
આ ભવ્ય પરંપરાને જાળવી રાખતા ઓલપાડ નગર સહિત તાલુકાના તમામ ગામડાઓમાં કોરોના મહામારીને મહાત કરવાના નિર્ધાર સાથે પોતપોતાના ઘરમાં, શેરી-મોહલ્લા ઉપરાંત મંદિરોમાં એકાદશી,વાઘબારસ,ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીના શુભ પર્વની દીપમાળાઓ પ્રગટાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સાથે જ મહિલાઓએ દીપાવલીની અનોખી રોનક એવી રંગોળીથી પોતાના ઘર ઉંબર તથા ઘર આંગણાની ખુબજ ઉત્સાહભેર સજાવટ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દિપાવલી પર્વની આ ઉજવણી વચ્ચે લોકોએ કોરોના મહામારીના સરકારી જાહેરનામાનું પણ યોગ્ય પાલન કર્યું જે નોંધનીય બાબત છે.