તાપી જિલ્લાને સલામત, સ્વસ્થ્ય અને સમૃધ્ધ રાખવા માટે પક્ષાપક્ષીથી દુર રહી સૌ સહિયારા પ્રયાસો કરીએ
વ્યારા ખાતે સાંસદશ્રીની અધ્યક્ષતામાં ” દિશાની ” બેઠક મળી : અન્ય તાલુકાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : બારડોલી સાંસદશ્રીની અધ્યક્ષતામાં આજે જિલ્લા સેવાસદન વ્યારા ખાતે ડિસ્ટ્રીક્ટ ડેનલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ” દિશાની ” બેઠક મળી હતી. અન્ય તાલુકાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકને સંબોધી હતી. આ બેઠકમાં માહે જુન-૨૦૨૦ અંતિત થયેલ ભૌતિક અને નાણાંકિય પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સાંસદશ્રીના આદર્શ ગ્રામ યોજનાની તથા તકેદારી આયોગ તરફથી મળેલ ફરિયાદ અરજીઓ તેમજ લોક ફરિયાદની અરજીઓની પણ વિગતવા સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશાનુસાર આદર્શ ગ્રામને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે, ત્યારે આદર્શ ગામમાં તમામ પાયાની સુવિધાઓ ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં ઉપલબ્ધ કરાય તે જરૂરી છે. તેમણે આદર્શ ગામમાં બેઝ લાઈન સર્વે કરવા, વ્યસન મુક્તિ અભિયાન તથા મહિલા સશક્તિકરણની સઘન કામગીરી હાથ ધરવા જણાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના ગવાણ ગામને ફેઝ-૪ હેઠળ આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવી રહેલ છે. સાંસદશ્રીએ કોરોનાની મહામારીના લીધે પેન્ડીંગ રહેલ યોજનાકિય કામો આગામી માર્ચ-૨૦૨૧ અંતિત પુરા કરવાનું જણાવી સબંધિત અધિકારીઓને જરૂરી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. સાંસદશ્રીએ ખાસ કરીને ઉપસ્થિત પદાધિકારીઓને પક્ષા-પક્ષીથી દુર રહી તાપી જિલ્લાને સલામત, સ્વસ્થ્ય અને સમૃધ્ધ રાખવા માટે સૌને સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રીએ કોવિદ-૧૯ની મહામારી દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ અસરકારક કામગીરીને બિરદાવતા જિલ્લા આરોગ્ય તંત્રને ખાસ અભિનંદન આપ્યા હતા. અને આગામી સમયમાં પણ જિલ્લામાં લોકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે માટે સતત કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે મનરેગા, દિનદયાળ અત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાની પણ વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી સુચનો કર્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી સુનિલભાઈ ગામીતે જાતીના દાખલા બાબતે તથા ડોલવણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતી લતાબેન ચૌધરીએ આધાર કાર્ડ માટેના સેન્ટરો વધારવાને કરેલ રજુઆત બાબતે સબંધિત અધિકારીઓને સત્વરે યોગ્ય કરવા સુચના આપી હતી.
કલેક્ટર આર.જે. હાલાણીએ આદર્શ ગ્રામમાં ઉપલબ્ધ કરવાની તમામ માળખાકિય સુવિધાઓની જાણકારી આપીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક સર્વેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યુ હતુ.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગજરાબેન ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ, અધિક કલેક્ટર બી.બી. વહોનિયા, જિ.ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે. નીનામા, વ્યારા પ્રાંત હિતેષ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત સહિત પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
…….