માંગરોળના વાંકલ ગામે ઉભી કરાયેલ, આઉટ પોલીસ ચોકીનું મકાન તથા રહેઠાણ જર્જરીત : ૨૪ કલાક સ્ટાફ હાજર રાખવા PSIને આવેદનપત્ર અપાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્રમાં વાંકલ ગામે આઉટ પોલીસ ચોકીનું મકાન તથા ફરજ બજાવતા પોલીસ કર્મચારી માટે રહેવાનું મકાન છે. પરંતુ આ ઇમારતો વર્ષો જૂની હોય, હાલમાં આ ઇમારતો જર્જરીત થઈ જવા પામી છે. આ બંન્ને ઇમારતોનું રીનોવેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. સાથે જ આ આઉટ પોલીસ ચોકીમાં આસપાસના ઘણાં ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છતાં આ ચોકી ખાતે કાયમી ૨૪ કલાક કોઈ કર્મચારી હાજર રહેતાં નથી. સાથે જ છેલ્લા ઘણાં લાંબા સમયથી આ ચોકી ખાતે મહેકમ મુજબનો પુરતો સ્ટાફ નથી. જેથી આ ચોકીનાં કાર્યક્ષેત્રમાં આવતાં ગામોના ફરિયાદીઓને સમયસર ન્યાય મળતો નથી. જ્યારે રાત્રી દરમિયાન GRD ના જવાનો ફરજ ઉપર હાજર રહેતાં નથી. હવે શિયાળાની મૌસમ શરૂ થશે ત્યારે નાની મોટી ચોરીનાં બનાવો પણ શરૂ થશે. જેથી રાત્રી પેટ્રોલીંગ શરૂ કરવામાં આવે એવી માંગ સાથેનું આવેદનપત્ર વાંકલના કેટલાક આગેવાનો તરફથી માંગરોળ પોલીસ મથક ખાતે આપવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે માંગરોળ પોલીસ મથક માં હાલમાં ચાર જેટલાં જમાદારોની જગ્યા ખાલી છે. જેમાં પોલીસ મથકમાં પણ એકાઉન્ટન્ટ, LIBની જગ્યાઓ ખાલી છે. નાનીનરોલી આઉટ પોલીસ મથકમાં પણ જગ્યાઓ ખાલી છે. જેથી એક જામદારને નાનીનરોલી આઉટ પોલીસ ચોકી અને LIB તથા વાંકલ આઉટ પોલીસ ચોકીનાં ચાર્જ હોય, જમાદારોની ઘટને પગલે આ સમસ્યાઓ ઉભી થવા પામી છે.