તાલુકા મથક માંગરોળ ખાતેથી પસાર થતી ભૂખી નદીનો ગામ તરફના કિનારાનું વ્યાપક ધોવાણ, વોલ પ્રોટેક્શન ઉભી કરવા અધિકારીએ સ્થળની મુલાકાત લઈ, અહેવાલ તાલુકા ફરિયાદ કાર્યક્રમમાં રજૂ કર્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક ખાતેથી ભૂખી નદી પસાર થાય છે. આ નદીનો જમણી તરફનો એટલે કે જે કિનારા ઉપર માંગરોળ ગામ વસેલું છે.એ તરફના નદી કિનારાનું ખૂબ મોટાપાયે ધોવાણ થઈ રહ્યું છે. સને ૧૯૯૪ માં આવેલા પુરના કારણે ગામના મોટાભાગના રહેઠાણ વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા હતા. અને વ્યાપક નુકશાન થયું હતું. તે સમયે આ કિનારાઓ પાસે પ્રોટેક્શન વોલ ઉભી કરવા વહીવટી તંત્રએ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ તાલુકા કક્ષાએ યોજાયેલા લોકદારબરોમાં પણ અનેકો વખત રજુઆત કરવામાં આવી છે. છતાં તંત્ર તરફથી આજદિન સુધી આ પ્રશ્ને કોઈ કાર્યવાહી ન કરાતા તથા ચાલુ વર્ષે ચોમાસું ખૂબ જ સારૂ જતા આ નદીમાં ચાર થી પાંચ વાર પુર આવ્યા છે. જેને પગલે પટેલ ફળિયાના પાછળના ભાગના કિનારાનું ખૂબ મોટાપાયે ધોવાણ થયું છે. જો હવે પછીના આવનારા ચોમાસા પહેલાં આ કિનારા નજીક પ્રોટેક્શન વોલ ન ઉભી કરાશે તો કેટલાક મકાનો માટે પણ ભય ઉભો થયો છે. અગાઉ આ નદીનાં અમુક વિસ્તારમાં પ્રોટેક્શન વોલ ઉભી કરવામાં આવી છે. ત્યારે આ બાકી રહેલાં વિસ્તારમાં પ્રોટેક્શન વોલ ઉભી કરવા માટે માંગરોળના સામાજીક આગેવાન એન આઈ પાંડોરે, દર મહિને માંગરોળ મામલતદાર કચેરી ખાતે યોજાતા તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ને લેખિતમાં રજુઆત કરતાં, સિંચાઇ વિભાગ, માંડવી કચેરીનાં અધિકારી વિપુલભાઈ રાજપૂતે આ સ્થળની મુલાકાત લઈ, સ્થળના ફોટા પાડી, માપણી કરી આજે તારીખ ૨૧ મી ઓક્ટોબરના માંગરોળ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર દિનેશભાઇ ચૌધરીની અધ્યક્ષથામાં તાલુકા ફરિયાદ નિવારણની બેઠક મળી હતી. જેમાં માંડવી સિંચાઇ કચેરીનાં અધિકારી વિપુલભાઈ રાજપૂત હાજર રહ્યા હતા.અને એમણે જે જવાબ રજૂ કર્યો છે. એમાં જણાવ્યું છે કે અરજદાર તરફથી જે ઉપરોક્ત રજુઆત કરાઈ છે તે સાચી છે. આ સ્થળે પ્રોટેક્શન વોલ બનાવવી જરૂરી છે. અમારી કચેરી તરફથી આ પ્રશ્ને યોગ્ય પ્લાન્ટ એસ્ટીમેન્ટ તૈયાર કરી, આ અંગેની દરખાસ્ત સરકારને મોકલી આપવામાં આવશે. માંગરોળ, મામલતદાર કચેરી દ્વારા આ અંગેનો અહેવાલ સુરત, જિલ્લા કલેક્ટરને મેઇલથી મોકલી આપવામાં આવ્યો છે.