દેશમાં સૌ પ્રથમ સુરત ખાતે કેનાલ કોરિડોર ડેવલપ કરાયો : શહેરીજનો મિત્રો અને પરિવાર સાથે સાંજનો આનંદદાયી સમય પસાર કરી શકશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત સુરતમાં અંદાજે રૂા.૫૨ કરોડનાં ખર્ચે ૦૩ કિમીની લંબાઇમાં દેશનો સૌ પ્રથમ કેનાલ કોરિડોર ડેવલપ કરાયો છે. અઠવા ઝોનમાં અણુવ્રત દ્વાર જંકશનથી જમનાબા પાર્ક સુધી નિર્માણ કરાયેલા કેનાલ કોરિડોરમાં બાળકોથી લઇને વૃદ્ધો સુધી સૌ માટે પ્લે એરિયાથી લઇને, વોક વે, સિટીંગ એરિયા, ક્રિકેટ રમવાની જગ્યા, ફૂડ કિયોસ્ક, પાર્કિંગ, લોન, ટોયલેટ બ્લોક તેમજ સ્કલ્પચરની પણ વ્યવસ્થા કરાઇ છે. સી.સી.રોડ, ફૂટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્ટ્રીટ ફર્નિચર, ટ્રાફિક સાઈનેજીસ તેમજ લેન્ડ સ્કેપિંગ જેવા પ્રકલ્પોથી કેનાલનું બ્યુટીફિકેશન કરાયું છે. ટ્રાફિકને અડચણ ન થાય એનું ધ્યાન રાખી તૈયાર કરાયેલા આ કોરિડોર ખાતે શહેરીજનો મિત્રો અને પરિવાર સાથે સાંજનો આનંદદાયી સમય પસાર કરી શકશે. મેયર ડો.જગદીશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની અને મહાપાલિકા ટીમને મુખ્યમંત્રએ અભિનંદન પાઠવ્યા છે.