માંગરોળ તાલુકાના કીમ, પીપોદરા અને માંડવીના કરંજ વિસ્તારમાં ડાઈગ મિલો કોના આશીર્વાદ થી ધમધમી રહી છે ? કીમ નદી તેમજ વરસાદી કુદરતી કાસોનું નિકનંદન કાઢી રહી છે આ ડાઈગમિલો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા કીમ, નવાપરા, મોટાબોરસરા, પાલોદ, પીપોદરા તેમજ માંડવી તાલુકાની કરંજ GIDC માં નાના મોટા થઈ ત્રણ સો થી વધુ ઔદ્યોગિક એકમો હાલ કાર્યરત છે.અને જેમાં ૪૫ થી વધુ ડાઈગમિલો આવેલી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે થી મળેલી માહિતી અનુસાર એક પણ ડાઈગમિલને આ ઔદ્યોગિક વિસ્તારમાં મિલો ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી નથી અને જે ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવી છે એ મિલ ઔદ્યોગિક એકમ માં લેવાયેલા ગંદા પાણીનો નિકાલ કરવાની મંજૂરી વગર આ તમામ ડાઈગમિલો માંથી નિકળતા ગંદા તેમજ કેમિકલ યુક્ત પાણી સીધું ગટરોમા નિકાલ કરી દેવામાં આવે છે. ઓલપાડ, માંગરોળ અને હાંસોટ તાલુકા માટે તેમજ તાલુકાના ખેડૂતો માટે કીમ નદી જીવાદોરી સમાન છે. પશુપાલકો તેમજ ખેડૂતો મહત્તમ કીમ નદીના પાણીનો ઉપયોગ કરે છે. પરંતુ ત્રણે તાલુકામાં કાર્યરત ઔદ્યોગિક એકમોના દૂષિત પાણીને કારણે કીમ નદી હાલ ડેડ રિવર બની ગઈ છે. ઔદ્યોગિક એકમોના માલિકો પોતાના નફા માટે ઉદ્યોગોના ગંદા કેમિકલ યુક્ત પાણી સીધા ગટરો મારફતે કીમ નદીમાં ઠાલવી રહ્યા છે. જેને કારણે અનેકો વાર જળસૃસ્તીના જીવોના મોત થઈ ચૂક્યા છે. ચોમાસાના ચાર મહિના બાદ કીમ નદીનું પાણી અલગ અલગ રંગોમાં રંગાઈ જાય છે અને આ કેમિકલ યુક્ત પાણીના કારણે જળ સૃષ્ટિનો નાશ થઈ રહ્યો છે. આ ઔદ્યોગિક એકમોમાંથી નિકળતા ગંદા કેમિકલ યુક્ત પાણી બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આંખ આડા કાન કરી રહ્યું છે. અનેકો વાર સ્થાનિકોની રજુઆત છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને તપાસ કરવાનો સમય મળ્યો નથી. મિલો દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીને કારણે અનેક વાર ગટરોમાં આગ લાગવાની પણ ઘટના બની છે. કેમિકલયુક્ત પાણી એટલું જ્વલનશીલ હોઈ છે કે ગટરમાં કોઈ દિવાસરી કે બીડી નાખે તો પણ આગ ભભૂકી ઉઠે છે. કેટલીક મિલોની તો પરિસ્થિતિ એ પ્રમાણે છે કે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આ મીલ માલિકો રાત્રી દરમ્યાન કેમિકલયુક્ત પાણી ખુલ્લા ખેતરોમાં છોડી મૂકે છે જેથી આસપાસના રહેણાંક વિસ્તારના લોકોને આંખમાં બરતરા કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના બનાવો પણ બની રહ્યા છે. લોક ચર્ચા મુજબ મિલો ધરાવતા માલિકોની રાજકારણીઓ સાથેની સાઠગાથના કારણે આ મિલો ચાલી રહી છે તેના માટે જવાબદાર છે. ચૂંટણી સમયે આ મિલમાલિકો ચૂંટણી માટે મોટું ફંડ એકઠું કરી મોકલતા હોઈ છે અને બદલામાં રાજનેતાઓના આશિર્વાદ થી મિલો બે રોક ટોક ધમધમી રહી છે. એક તરફ દેશના વડાપ્રધાન પર્યાવરણ બચાવવા અનેક ધમ પછાડાઓ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ નેતાઓ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની મિલીભગત થી આ મિલ માલિકો પર્યાવરણને મોટું નુકશાન કરી રહ્યા છે.
રિપોર્ટ:નઝીર પાંડોર (માંગરોળ-સુરત)