તોલમાપના કાયદાનો ભંગ કરનારા વેપારીઓ દંડાયા : સુરત અને તાપી જિલ્લામાંથી સપ્ટે. માસમાં ૩૨ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો : નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીને બાકી નીકળતો પગાર અપાવતી ગ્રાહક કચેરી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): જિલ્લા મદદનીશ નિયંત્રક કાનુની માપવિજ્ઞાન અને ગ્રાહકસુરક્ષા કચેરી, સુરત-તાપી દ્વારા ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારી બી. આર. વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર/સિનીયર નિરીક્ષકો દ્વારા સપ્ટેમ્બર-૨૦ માસમાં વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા PCR કાયદાના ભંગ બદલ સુરત અને તાપી જિલ્લાના ૨૫૨૨ વેપારી એકમોની ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી હાથ ધરી ૨૨,૭૭,૯૮૦ રૂપિયાની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. આ માસમાં કુલ ૪૪ વેપારી/એકમો સામે પ્રોસિક્યુશન કેસ કરી રૂપિયા ૩૨,૪૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત, કચેરીના વિભાગીય નિરીક્ષકો દ્વારા શહેર તથા જિલ્લામાં વધુ ભાવ લેવા બાબતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતાં ત્રણ એકમોમાં ગેરરિતી જણાય હતી. ત્રણેય એકમ સામે ધી પેકેઝ કોમોડીટીઝ રુલ્સ- અંતર્ગત પ્રોસિક્યુશન કેસ કરી,બાર હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જહાં ગીરાબાદમાં રહેતાં અન્ય એક ફરિયાદી શ્રેય કોસંબીએ Eurekaforbes.com (યુરેકા ફોર્બ્સ) પરથી વેક્યુમ ક્લીનર ઓનલાઈન ખરીદ્યું હતું. અનિવાર્ય કારણોસર તેઓએ આ ઓર્ડર રદ કરાવ્યો હતો, તેમ છતા કંપની દ્વારા વેક્યુમ ક્લીનર ઘરે ડિલીવર કર્યું હતુ. ગ્રાહકે રિટર્ન કરવા સંપર્ક કર્યો પણ કોઇ પ્રત્યત્તર ન મળતાં તેમણે ગ્રાહક કચેરીમાં ફરિયાદ આપી હતી. કચેરી દ્વારા નોટિસ ઇસ્યુ કરતા કંપનીના સેલ્સ પર્સન દ્વારા તેઓને વેકયુમ ક્લીનરના રૂ.૧૫,૨૯૦/- પરત કરાયા હતાં. અલથાણમાં રહેતાં અન્ય એક ફરિયાદી પ્રતિક પ્રદીપભાઇ સોમાનીની ફરિયાદ મુજબ તેમણે કામરેજ ની વશિષ્ઠ વિદ્યાલયમાંથી કારણ વગર નોકરીમાંથી છુટા કરી પુરેપુરો પગાર ચુકવ્યો ન હતો. ગ્રાહક કચેરી દ્વારા નોટિસ ફટકારતાં વશિષ્ઠ વિદ્યાલયે બાકી રહેલા પગારના રૂ.૪૦,૧૦૦/- ચુકવ્યા હતાં. જ્યારે અડાજણ ના પંકજ ગોપાલભાઈ ગુર્જરે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ મછલી ફાર્મ સ્ટેનું પ્રવાસ બુકિંગ કરાવ્યું હતું, પણ લોક ડાઉન થવાથી રદ્દ થયું હતું. બુકિંગના પૈસા પરત ન મળતાં તેમણે ગ્રાહક સુરક્ષામાં કરેલી ફરિયાદના આધારે નોટિસ ઇસ્યુ કરતાં રૂ.૪૫૦૦ પરત અપાવ્યા હતાં .ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહર સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એ-બ્લોહક, ગ્રાઉન્ડ ફલોર અઠવાલાઈન્સે, સુરત સંપર્ક સાધવા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીએ જણાવાયું છે.