તાપી જિલ્લામાં “મોબાઇલ ટુ સ્પોર્ટસ” યોજના અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાશે
તા.૭મી નવેમ્બર સુધી કૃતિ રજુ કરવાની રહેશે
જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૧૦ ઓક્ટોબર થી તા.૭ નવેમ્બર દરમિયાન તથા રાજ્ય કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૧ નવેમ્બરે યોજાશે
(માહિતી બ્યુરો; વ્યારા) : વર્તમાન કોરોનાની મહામારીના વિષમ સંજોગમાં ફેસબુક વ્હોટસ એપ ઇન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે પ્રવૃતિશીલ બનાવવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષીત કરવા એ સમયની તાતી જરૂરીયાત જણાતા મુખ્યમંત્રીશ્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના હકારાત્મક વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટસ “ ના અભિયાનની નવતર પહેલ કરી છે.
યુવાધનનો શારીરિક અને માનસિક રીતે ઉત્તમ વિકાસ થાય તે હેતુથી સરકારે વર્ષ-૨૦૨૦ દરમિયાન MOBILE TO SPORTS ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટુ સ્પોર્ટસ “ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો, Quiz ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગત સાથી ઓડીયો/વિડિઓ ક્લીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
આ હેતુને સુચારૂ રીતે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા સંયુકત રીતે “મોબાઇલ ટુ સ્પોર્ટસ “ કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ઘાનું આયોજન કરેલ છે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઇ શકશે . સ્પર્ધકે A4 સાઇઝના ડ્રોઇંગ પપેર પર “મોબાઇલ ટુ સ્પોર્ટસ “ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૭/૧૧/૨૦૨૦ બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં વ્યારા સ્થિત જિલ્લા સેવાસદનમાં આવેલ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીમાં જિલ્લા યુવાવિકાસ અધિકારીને મોકલી આપવાની રહેશે.
રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/- દ્રિતીય વિજેતાને રૂ.૭૫૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૫૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓમાં (પ્રત્યેકને) રૂ.૨૫૦૦/- મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.આ અંગેની વધુ માહિતી માટે “મોબાઇલ ટુ સ્પોર્ટસ “ યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટયુબ ચેનલની લિંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK ensUaz-g પરથી મળી શકશે. તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીમાં જિલ્લા યુવાવિકાસ અધિકારી અમૃતાબેન ગામીતનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.