તાલુકા મથક માંગરોળ ખાતેથી પસાર થતી ભૂખી નદીનાં ગામ તરફના કિનારાનું વ્યાપક ધોવાણ, પ્રોટેક્શન વોલ ક્યારે ઉભી કરાશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોળ ખાતેથી ભૂખી નદી પસાર થાય છે. આ નદીનો જમણી તરફનો એટલે કે જે કિનારા ઉપર માંગરોળ ગામ વસેલું છે. એ તરફના નદી કિનારાનું ખૂબ મોટાપાયે ધોવાણ થઈ રહ્યું છે. સને ૧૯૯૪ માં આવેલા પુરના કારણે ગામના મોટાભાગના રહેઠાણ વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા હતા. અને વ્યાપક નુકશાન થયું હતું. તે સમયે આ કિનારાઓ પાસે પ્રોટેક્શન વોલ ઉભી કરવા વહીવટી તંત્રએ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ તાલુકા કક્ષાએ યોજાયેલા લોક દારબરોમાં પણ અનેકો વખત રજુઆત કરવામાં આવી છે. છતાં તંત્ર તરફથી આજદિન સુધી આ પ્રશ્ને કોઈ કાર્યવાહી ન કરાતા તથા ચાલુ વર્ષે ચોમાસું ખૂબ જ સારૂ જતા આ નદીમાં ચાર થી પાંચ વાર પુર આવ્યા છે. જેને પગલે પટેલ ફળિયાના પાછળના ભાગના કિનારાનું ખૂબ મોટાપાયે ધોવાણ થયું છે. જો હવે પછીના આવનારા ચોમાસા પહેલાં આ કિનારા નજીક પ્રોટેક્શન વોલ ન ઉભી કરાશે તો કેટલાક મકાનો માટે પણ ભય ઉભો થયો છે. અગાઉ આ નદીનાં અમુક વિસ્તારમાં પ્રોટેક્શન વોલ ઉભી કરવામાં આવી છે. ત્યારે આજ ભાગ કેમ છોડી દેવામાં આવ્યો ? આ એક ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો આ પ્રશ્ને નામદાર હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરવાનું વિચારી રહ્યા છે. એ પહેલાં વહીવટીતંત્ર આ કામ પૂર્ણ કરે એવી માંગ ગ્રામવાસીઓએ કરી છે.