કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા-તાપી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લામાં કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા. ૦૨/૧૦/૨૦૨૦ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો. જેમાં તાપી જિલ્લાની વિવિધ ગામોની કુલ ૩૦ આદિવાસી ખેડૂત મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કે.વી.કે, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને તેમણે મહાત્મા ગાંધીબાપુની જન્મજયંતિ નિમિતે કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરેલ વિવિધ અઠવાડિક કાર્યક્રમની છણાવટ કરી હતી. કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાન અને આચાર્યશ્રી, બી.એડ કોલેજ, ગાંધી વિધ્યાપીઠ-વેડછીના ડો. અંજનાબેન ચૌધરીએ મહાત્મા ગાંધીજીના વિરલ વ્યક્તિત્વ વિષે માહિતિ આપતા જણાવેલ કે, પ્રવર્તમાન દરેક સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ ગાંધીજીની પાસે છે તેમના માત્ર વિચારોથી જ સમસ્યાનો હલ આવી શકે છે. તેમના જીવનના આદર્શો જેવાકે સર્વધર્મ પ્રત્યે સમાન ભાવ, સત્કર્મ, નિયમિતતા, લોક કલ્યાણ, આત્મનિર્ભરતા, નિખાલસતા, સ્વચ્છતા, શ્રમ, કુદરતી ખેતી વિગેરે ઉપર ભાર મૂક્યો હતો.
કે.વી.કે, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક શ્રીમતી આરતી એન. સોનીએ સ્વચ્છતા અભિયાનનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં, તેમણે ગાંધીજીએ વિવિધ ક્ષેત્રમાં કરેલ કામગીરી પૈકી રાષ્ટ્રના ઘડતર માટે બાળકોનું શિક્ષણ જ એક સરળ અને ટૂંકો માર્ગ છે તેના પર ભાર મુક્યો હતો.
કાર્યક્રમના અંતે, ઉપસ્થિત મહાનુભાવો, વૈજ્ઞાનિકશ્રીઓ અને ખેડૂત મહિલાઓ દ્વારા સ્વચ્છતાની શપથ લેવામાં આવી હતી તેમજ કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગૃહવિજ્ઞાનિક પ્રો. આરતી એન. સોની દ્વારા કરવામાં આવ્યું હતું.