સમગ્ર શિક્ષા, સુરત અને સુરત મહાનગરપાલિકા આયોજિત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ‘ઉજાસ ભણી’ યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર શિક્ષા સુરત પ્રેરિત ગર્લ્સ એજયુકેશન યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દીપકભાઈ દરજી તથા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચ માધ્યમિક શાળા તથા કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કિશોર અવસ્થાનું જ્ઞાન મળી રહે તે હેતુસર એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ૨૦૨૦-૨૧ અન્વયે શિક્ષકો માટે ચાર દિવસીય ‘ઉજાસ ભણી’ ઓનલાઈન વેબિનારનું આયોજન કરાયું હતું. ઓનલાઇન વેબિનારમાં જિલ્લા જેન્ડર કો-ઓર્ડીનેટર સપનાબેન મોદી, સમાજ સુરક્ષા અધિકારી, બી.આર.સી. કો-ઓર્ડીનેટર તથા સુરત જીલ્લા તેમજ સુરત મહાનગરપાલિકાના ધોરણ ૬ થી ૧૨ ના શિક્ષક ભાઈ-બહેનો જોડાયા હતા. આ વેબિનારમાં વિદ્યાર્થીની જ્ઞાનની ક્ષિતિજ ઉત્તરોત્તર વિશાળ બને અને તેનો ઉપયોગ શારીરિક સ્વસ્થતા કે અવસ્થાએ પારખી શકાય તે માટે તારુણ્ય શિક્ષણ, સ્વચ્છતા, બાળલગ્ન અને બાળઅધિકારો, બાળકોનું જાતીય રક્ષણ, પોસકો એક્ટ, દૈનિક પોષણ જરૂરિયાત, કુપોષણ, એનિમિયા, કેરિયર ગાઈડલાઈન્સ,ઇન્ટરનેટનો સલામત ઉપયોગ જેવા અનેક વિષયો પર વક્તાઓએ પ્રેઝન્ટેશન સાથે માર્ગદર્શન આપ્યું હતું. પ્રારંભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દીપકભાઈ દરજીએ જ્ઞાનાત્મક-વર્તનજન્ય કૌશલ્ય, સલામત અને ટેકારૂપ વાતાવરણ અંગે સમજ આપી હતી. ટેકનિકલ વ્યવસ્થાપક તરીકે જીલ્લા MIS ધર્મેશભાઈ મેવાડા તથા ઓલપાડના બ્લોક MIS સંજયભાઈ રાવળે ભૂમિકા અદા કરી હતી. વેબિનારમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો સહિત BRC-CRC ગણે જોડાઈને શિક્ષણ પ્રેરક તાલીમના ઉપયોગ અંગે પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. ઉપરાંત સૌએ શાળા કક્ષાએ આ વેબિનારના ઉદ્દેશ્યો અમલમાં મૂકવા સંકલ્પ લીધા હતા. એમ જીલ્લાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે જણાવ્યું છે.