તાપી : નિઝરનાં વકીલે કોર્ટ મેરેજ કરાવી આપતાં યુવતિનાં પરિવારે સ્ટમ્પ અને લાકડા વડે હુમલો કર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં નિઝર તાલુકામાં આવેલ ખનોરા ગામે ગયકાલ તા.29મી નાં રોજ વકીલ તથા તેનાં કુંટુંબનાં સભ્યો ઉપર સાયલા ગામનાં એક પરિવારનાં સભ્યોએ સ્ટમ્પ અને લાકડા વડે ફટકારી મારી નાંખવાની ધમકી આપી છે, વકીલે પ્રેમ લગ્ન કરાવી આપતાં માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
નિઝર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, નિઝર તાલુકાના નવી ભીલભવાલી ગામે રહેતા રિતેશકુમાર મનોહરભાઇ વળવી વ્યવસાયે વકીલ છે. વકીલે એમના મામાનાં દિકરા અમિત સાથે દેવ્યાનીનાં પ્રેમ સંબંધ હોય બંનેની રાજીખુશીથી એમનાં રજીસ્ટર કોર્ટ મેરેજ કરાવેલ તેમજ કોર્ટ મેરેજ સોગંધનામા લગ્ન કરનારને ઓળખનાર એડવોકેટ તરીકે સહિ કરી હતી. જે લગ્ન અંગેની જાણ ગતરોજે નિઝર પોલીસ સ્ટેશને કરી તેઓ ખનોરા ગામે એમનાં મામાને મૂકવા ગયા હતાં જ્યા નવ વિવાહીતાનાં પરિવારનાં સભ્યો ( ૧ ) મેહુલભાઇ અભિમન્યુભાઇ પાઠવી ( ૨ ) ગોપિચંદભાઇ ફુલસિંગભાઇ પાડવી ( ૩ ) અંકુરભાઇ અભિમન્યુભાઇ પાડવી તથા તથા ( ૪ ) દિપકભાઇ કુલસિંગભાઇ પાડવી તથા ( ૫ ) લાડુભાઇ ફુલસિંગભાઇ પાડવી તથા ( ૬ ) મિલિંદભાઇ અભિમન્યુભાઇ પાડવી તમામ રહે – સાયલા ગામ તા. નિઝર અર્ટિગા ગાડીમાં આવી પોત પોતાના હાથમાં રાખેલ સ્ટમ્પ તથા લાકડા વડે વકીલના પેટના ભાગે સપાટાઓ મારી તથા કોલર પકડીને છાતી તથા પેટના ભાગે ઢીકમુક્કી તથા લાત ધુસ્સાથી માર મારી તથા ગંદી નાલાયક ગાળો બોલી “ જો તું રસ્તામાં એકલો મળીશ તો તારા હાથ – પગ તોડી તને મારી નાખીશું ” જેવી ધમકીઓ આપી તેમજ વકીલનાં કુંટુંબનાં મહિલા સભ્યોને શરીરે ઢીક મુક્કીનો માર મારી ગુનો કર્યો હતો.
જે અંગે નિઝર પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનાની વધુ તપાસ નિઝર પોલીસ મથકનાં પી.એસ.આઈ. એન. ઝેડ. ભોયા કરી રહ્યા છે.