તાપી જીલ્લામાં એમ.એસ.પી. મુજબ મગફળીની ખરીદી કરવા સહાય મેળવવા માટે ખેડુતો NIC પોર્ટલ પર નોંધણી કરી શકશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : જિલ્લા ખેતીવાડી અધિકારી તાપીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૦-૨૧ અન્વયે એમ.એસ.પી મુજબ મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારની એજન્સી તરીકે ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી.ની પસંદગી થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન-૨૦૨૦-૨૧ અન્વયે એમએસપી મુજબ એવરેજ કવોલીટી એટલે કે ખેત જણસીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓછામાં ઓછી ગુણવત્તાના ધોરણ મુજબ મગફળીની ખરીદીના રૂ.૫,૨૭૫/- પ્રતિ કિવન્ટલ નકકી કરવામાં આવેલ છે એટલે કે રૂ.૧૦૫૫/- પ્રતિ મણ(ર૦ કિલો)ના નકકી કરવામાં આવેલ છે. જે ભાવે ખરીદીથશે. તથા મગફળીનો જથ્થો ભારત સરકારના ધોરણો મુજબ ફેર એવરેજ ક્વોલીટી મુજબનો ખરીદ કરવાનો થશે. હેક્ટરદીઠતાલુકાવાર ઉત્પાદકતા મુજબ ખરીદી કરવાની થશે અને પ્રતિ દિન/પ્રતિ ખેડૂત ૨૫૦૦ કિ.ગ્રા. જથ્થાની મર્યાદામાં ખરીદી થશે.મગફળીની ખરીદીનો સમયગાળો તા.૨૧/૧૦/૨૦૨૦થી શરૂ કરી ૯૦ દિવસ સુધીનો રહેશે.તાપી જીલ્લામાં મગફળીની ખરીદી માટે બે ખરીદ કેન્દ્ર નકકી કરવામાં આવેલ છે. (૧) વ્યારા (૨)સોનગઢ. આ ખરીદકેન્દ્રો માટે ખેડુતો પોતાની મગફળી પાક વેચાણ માટે નોંધણી કરાવશે અને નોંધણી અંગેની તારીખઃ ૦૧-૧૦-૨૦૨૦ થીતા.૨૦-૧૦-૨૦૨૦ રહેશે. નોંધણીની પ્રક્રિયા NIC ના IPDS પોર્ટલ(http//ipds.gujarat.gov.in) પર થશે. તેમજ નોંધણી પ્રક્રિયા દરેક ખરીદ કેન્દ્રના એપીએમસી (APMC) ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ VCE મારફત જ કરવાની રહેશે. ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોના રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો જેવા કે ૭/૧૨, ૮-અ, બેંક ખાતુ અધારકાર્ડ સાથે લીંક કરાવેલ હોય તેવી બેંક પાસબુકની નકલ IFSC CODE સાથે, આધારકાર્ડની નકલ જેવા સાધનિક કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ VCE મારફત જ નોંધણી કરવાની રહેશે.