તાપી જિલ્લાના સોનગઢ અને બાજીપુરા ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ખેડૂતોની લાગણી અને માંગણી સ્વિકારીને આ સરકાર કામ કરે છે. – રાજ્યકક્ષા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૬ – તાપી જિલ્લાના સોનગઢ અને બાજીપુરા ખાતે આજરોજ સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા આત્મનિર્ભર પેકેજ હેઠળ ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ,કાંટાળી વાડ તથા ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી તેમજ ખેડૂત લાભાર્થીઓને મંજૂરી હુકમ અર્પણ કરાયા હતા.
સોનગઢ ખાતે રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી અને બાજીપુરા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની સરકાર ખેડૂતોના વિકાસના કામો કરે છે. સરકારની યોજના ખેડૂતલક્ષી છે.હંમેશા ખેડૂતોની લાગણી અને માંગણી સ્વિકારીને આ સરકાર કામ કરે છે. વર્ષ ૧૯૯૫-૯૬ માં કૃષિ ઉત્પાદન ૧૩ હજાર કરોડ હતું. આજે એક લાખ સિત્તેર હજાર કરોડ પર પહોંચ્યું છે. આજે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. પહેલા ખેડૂતોએ ૧૬ ટકા વ્યાજે લોન લેવી પડતી હતી અને આજે શૂન્ય ટકાએ ખેડૂતોને લોન મળે છે. ગુજરાતનો ખેડૂત ખૂબ મહેનતુ છે. સમયસર વીજળી,પાણી અને સચોટ માર્ગદર્શન મળવાને કારણે ગુજરાત સમૃધ્ધ છે.
નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી સરદાર સરોવર નું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થયું અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વ હેઠળ ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બની ખેડૂતોને યોજનાનો લાભ સીધો મળે તેવા પ્રયાસો થયા અને આજે ગુજરાત નંબર ૧ બન્યું છે. ૯૫ ટકા દિવેલાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. આ ઉપરાંત જીરૂ,વરિયાળી,બટાકા અને પપૈયાની ખેતીમાં ગુજરાત રાજ્ય પ્રથમ નંબરે છે.
બાજીપુરા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ ખેડૂતોને જણાવ્યું હતું કે રાજ્યના મોટા અને સાધનસભર ખેડૂતોની સાથે સાથે નાના સીમાંત ખેડૂતોનું રાજ્યના કૃષિ વિકાસ ક્ષેત્રે યોગદાન છે. જગતના તાતને પડખે ઉભા રહેવુ રાજ્ય સરકારનું કર્તવ્ય છે. માટે નાના અને સીમાંત ખેડૂતો તેમજ ખેત મજૂરો ઓછા સમયમાં વધુ કાર્યદક્ષતાથી કામ કરી શકે તે માટે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત સ્માર્ટ હેન્ડ ટુલ કીટ અને ફળ-શાકભાજીના છુટક વિક્રેતાઓને કોઈપણ ઋતુમાં અગવડ ન પડે તે માટે વિનામૂલ્યે છત્રી આપવાની સરકારે પહેલ કરી છે.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આપણાં ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સાત પગલા ખેડૂત કલ્યાણની વિવિધ યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. જેનો મહત્તમ લાભ લો અને બીજા ખેડૂતો પણ સહાયથી વંચિત ન રહે તે માટે પ્રયાસ કરવાના રહેશે.
નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહયું હતું કે રાજ્ય સરકાર અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ, જેવી કુદરતી આફતો સમયે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરે છે. આપણે પહેલા પરંપારિક ખેતી કરતા હતા. આજે આધુનિક સાધનો અને ટેકનોલોજીથી ખેત ઉત્પાદનમા; વધારો કરી શક્યા છે. આજે તાપી જિલ્લાના ૫૨૬ લાભાર્થીઓને મંજૂરી પત્રો અને ૧૫૦૦ જેટલા નાના વેચાણકારોને છત્રી આપવામાં આવી છે. આમ સૌ ભેગા મળીને આપણાં અર્થતંત્રને મજબૂત કરીએ.
સંયુક્ત ખેતી નિયામક કે.એસ.પટેલે ખેડૂતોના સાત પગલા યોજનાઓની માહિતી આપી હતી. નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલે મહાનુભાવોને આવકારી બાગાયત વિભાગની છત્રી યોજના અને ખેતીવાડી વિભાગની સ્માર્ટ હેલ્થ ટુલ કીટ તથા તારની વાડ યોજના વિશે માહિતી આપી હતી. રાજ્યકક્ષાએ માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા ખુલ્લી મુકાયેલી યોજનાનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. બાજીપુરા અને સોનગઢ ખાતે મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.સોનગઢ ખાતે કન્યાશાળાના બહેનો અને ચીમકુવા પ્રાથમિક શાળા શિક્ષક પ્રદિપભાઈ દ્વારા સ્વાગત ગીત રજુ કરાયુ હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જયેશભાઈ ગામીત, જિલ્લા પંચાયત સદસ્ય સરિતાબેન વસવા,તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ગામીત,જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત,આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર પી.આર.ચૌધરી, મદદનીશ ખેતી નિયામક ભરત કાનડે,નિલેશ ગામીત સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.