ઉચ્છલ પોલીસે રાત્રે ચાર ટ્રક તથા સવારે બે ટ્રકોમાં રાજ્ય બહાર લઈ જવાતાં 70થી વધુ અબોલ પશુઓને ઉગારી લીધા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાંથી મોડી રાત્રે ચાર ટાટા ટ્રકમાં 32 ભેંસો અને 20 પાડિયા તેમજ સવારે એક ટાટા ટ્રક અને એક LP ટ્રકમાં 20 ભેંસોની ગેરકાયદેસર હેરાફેરી કરતાં ઉગારી લઈ 15 આરોપીઓ ઝડપી પાડ્યા હતાં તેમજ સાતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલ બે અલગ અલગ ગુનાની વિગત જોઈએ તો, આજે રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં સોનગઢ થી નવાપુર જતાં રસ્તે ભડભુંજા ગામની સીમમાંથી ઉચ્છલ પોલીસે ચાર ટાટા ટ્રકમાં વગર પરમિટે, ઘાસચારા અને પાણીની સગવડ વગર કુલ 32 ભેંસો અને 20 પાડિયાને ખીચોખીચ ભરી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતાં ઝડપી લઈ અબોલ જાનવરોને ઉગારી લીધા હતાં. જે ગુના અંતર્ગત 11 આરોપીઓ ઝડપાયા હતાં તથા સાતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
જ્યારે આજે સવારે આઠ વાગ્યાનાં અરસામાં ઉચ્છલ પોલીસે સોનગઢ થી નવાપુર જતાં ને.હા.નં. 53 ઉપર આવેલ સાકરદા હોટલ શિવસાગરનાં મેંદાનમાંથી એક ટાટા ટ્રક અને એક LP ટ્રકમાં વગર પરમિટે, ઘાસચારા અને પાણીની સગવડ વગર કુલ 20 ભેંસોને ખીચોખીચ ભરી ગેરકાયદેસર રીતે રાજ્ય બહાર હેરાફેરી કરતાં ચાર આરોપીઓને ઝડપી લીધા હતા તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને ગુનાઓની તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.હે.કો. જીતુભાઈ શંકરભાઈ કરી રહ્યા છે.