હોમગાર્ડના હાથે ઝડપાયેલા શંકાસ્પદ યુવાને કરી આત્મહત્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલા હાઇવે ઉપર હોમગાર્ડ પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમિયાન ખિસ્સા કાતરૂ એક શખ્સ હોમગાર્ડના હાથે ઝડપાય જતા એ શખ્સએ આત્મહત્યા કરી લેતાં, જિલ્લા પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કામરેજ દોડી આવ્યા હતા. આ શખ્સ રાત્રીના સમયે હાઇવે પર રીક્ષા કે અન્ય વાહનોમાં સુતેલા હોય એમને નિશાન બનાવી ખિસ્સા કાપી ચોરી કરતો હતો. સાથે મોબાઈલોની પણ ચોરી કરતો હતો. ત્રણ વાગ્યે હાઇવે પર રીક્ષામાં સુતેલા ચાલકના ગજવામાંથી ચોરી કરી રહ્યો હતો, તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા હોમગાર્ડના જવાનોને શંકા જતા યુવાનને રંગે હાથે ઝડપી લીધો હતો.આ શખ્સને રિક્ષામાં કામરેજ પોલીસ ચોકીએ લઈ જતા સમયે શખ્સએ જાતેજ ગળા પર પોતાની પાસેની બ્લેડ મારી દેતા એને ગંભીર ઇજા થતાં ૧૦૮ આવે એ પહેલાં જ એનું મોત થયું હતું.વધુ એક ટ્રક ચાલકનો ચોરીનો મોબાઈલ પણ મૃતકના ગજવામાંથી મળી આવ્યો હતો. મૃતક પર કામરેજ પોલીસ મથક માં મારામારી તેમજ ખૂનની કોશિશના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. એનું નામ યુસુફ મોહમદ મેમણ છે એની ઉંમર ૨૩ વર્ષ છે. અગાઉ કઠોર ખાતે રહેતો હતો. પોલીસે એની લાશનું પી.એમ.કરી વધુ તપાસ હાથ ધરી છે.