સુરતનાં ઉમરપાડાની વનસમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર : PSI ઉપર કરાયા આક્ષેપ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની એક થી દશ સુધીની વનસમિતિઓ કાર્યરત છે. આ સમિતિઓ તરફથી આજે તારીખ ૧૮ મી સપ્ટેમ્બરના રોજ ઉમરપાડાના મામલતદારને એક આવેદનપત્ર પેશ કરવામાં આવ્યું છે. રાજપાલશ્રીને સંબોધીને તૈયાર કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે એક થી દશ વનસમિતિઓને ફાળવેલ કમ્પાર્ટમેન્ટમાં ભરવાડ સમાજના ઢોરો ખૂબ મોટાપાયે ભેલાણ કરી રહ્યા છે જે પ્રવુતિ બંધ થવી જોઈએ. કમ્પાર્ટમેન્ટને અડીને આવેલી જમીનના માલીકના ઉભપાકને ભરવાડ સમાજના ઢોરો નુકશાન કરે છે એ બંધ થવી જોઈએ, આદિવાસી સમાજના ભાઈ-બહેનોને ભીલ થતા જંગલી જેવી ન શોભે તેવી ગાળો ભરવાડ સમાજના અસામાજિક લોકો આપે છે. એ બંધ થવું જોઇએ. દર વર્ષે વનસમિતિના સદસ્યો અને વનવિભાગના કર્મચારીઓ ભરવાડ સમાજને કહેવા જાય ત્યારે ઉશ્કેરાઈ જાય છે. આવેદનપત્રમાં ઉમરપાડાના પી.એસ.આઈ. શ્રી ભરવાડ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પી.એસ.આઈ. એ જ્યારથી ઉમરપાડા ખાતે ચાર્જ લીધો છે ત્યારથી આદિવાસી સમાજ સાથે જાતિવાદી ની નીતિ અપનાવી ભરવાડોને ઉશ્કેરીને વારંવાર સંઘર્ષ કરાવતા હોય જે કાયદાનું ઉલધન કરી,ભરવાડ સમાજ તરફ એક તરફી નિર્ણય લેતા હોવાથી આ અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ઉપરોક્ત પ્રશ્નનો ઉકેલ ન આવશે તો આદિવાસીઓ ઉગ્ર આંદોલન કરશે એમ આવેદનપત્રમાં જણાવ્યું છે. આ આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આ વિસ્તારના ધારાસભ્ય અને વન મંત્રી તથા સુરતનાં જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવી છે.