સુરતનાં માંગરોળમાં બે કલાકમાં સાદા પાંચ ઈંચ વરસાદથી માંગરોળ-વકીલપરા માર્ગ પરનું નાળુ ધોવાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળમાં બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડતાં માર્ગો, નદી, નાળા, ખેતરો પાણીથી રેલમ છેલ થઈ જવા પામ્યા છે. અવિરત પડેલા વરસાદથી મોસાલી બજારનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ખેતરો પણ પાણીથી ઉભરાઈ ગયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેથી ખેતરો ફરી પાણીથી ભરાઈ જતા ખેડૂતોની સ્થિતિ ખુબજ ખરાબ થઈ જવા પામી છે. માંગરોળમાં ૮૪ ઇંચ વરસાદ પડી ચુક્યો છે. આ વરસાદથી માંગરોળ થી વકીલપરા જતા માર્ગ ઉપર આવતું ગળનાળુ ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. આ માર્ગનો ઉપયોગ દશ જેટલા ગામોનાં લોકો કરે છે. જો કે માંગરોળના સરપંચ નિકેશકુમાર વસાવા એ આ ગળનાળુ મોટા વાહનો માટે બંધ કરી દીધું છે. સાથે જ આ અંગેની જાણ માર્ગ અને મકાન વિભાગની, માંગરોળ કચેરીને કરી દેવામાં આવી છે. કચેરી દ્વારા હાલમાં કામચલાઉ અવર જવર થઈ શકે એ માટે યોગ્ય સ્મારકામ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.