સુરત જિલ્લાના૧૧.૩૦ લાખ સિલિન્ડર ગ્રાહકોને ૬ માસની ૧૨૨ કરોડ સબસિડી ચૂકવાઈ નથી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરકારે રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી, સબસિડી આપવાનું બંધ કરી દેતાં ગ્રામીણ વિસ્તારની પ્રજાની પરેશાની પરાકાષ્ટાએ પોહચી છે. સિલિન્ડર દીઠ ૧૮૦ રૂપિયાથી વધુ સબસિડીની રકમ ચુકવવામાં આવતી હતી. પરંતુ ગત એપ્રિલ-૨૦થી સબસિડી બંધ કરી દેવાતા સુરત જિલ્લાના ૧૧.૩૦ લાખ ગ્રાહકોને ૬ માસની અંદાજે ૧૨૨ કરોડ રૂપિયા સબસિડી પેટેના ચૂકવવામાં આવ્યા નથી. સરકારે કયા કારણોસર સબસિડી બંધ કરી છે. એની કોઈ સ્પષ્ટતા ન કરતા ગ્રાહકો ગેસ એજન્સીઓ અને પુરવઠા વિભાગની કચેરીઓ ખાતે ધક્કા ખાઈ રહ્યા છે. સબસિડી બંધ થતાં ગરીબ પરિવારો મુંઝવણમાં મુકાઈ ગયા છે. સુરત શહેર અને જિલ્લામાં ૧૩ લાખ ગ્રાહકોમાંથી એક લાખ ગ્રાહકોએ સબસિડી લેવાનો ઇનકાર કરી દીધો છે. સિલિન્ડરના ભાવ ઘટાડી દીધા હોય સબસિડી બંધ કરી હોવાનો લુલો બચાવ કરાઈ રહ્યો છે. આ પ્રશ્ને સરકાર યોગ્ય જાહેરાત કરે એવી માંગ કરવામાં આવી છે.