તાપીના સખી વન સ્ટોપ સેન્ટરે મહારાષ્ટ્રની માનસિક અસ્વસ્થ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યુ
(માહિતી બ્યુરો; વ્યારા) : ભારત સરકાર પૂરસ્કૃત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી દ્વારા સંચાલિત અને વ્યારા સ્થિત રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કોઈ પણ પ્રકારની હિંસાથી પીડીત મહિલાઓને પોલીસ સહાય, કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ, તબીબી સહાય, આશ્રય સહાય સહિત જરુરી તમામ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.
જેમા તા.૩૦.૦૮.૨૦ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા એકલી રઝળતી ભૂલી પડેલ મળી આવેલ મહિલાનો કેસ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ હતો. જે દરમિયાન તેમનું કાઉન્સેલિંગ કરતાં બહેન ઘરેથી કોઈને કહ્યા વગર ભાગી આવેલ હોવાનુ જણાયુ હતુ. આ મહિલાની માનસિક સ્થિતિ થોડી અસ્વસ્થ હોવાથી રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાને તબીબી સહાય, પોલીસ સહાય, કાઉન્સેલિંગ, માર્ગદર્શન તેમજ આશ્રય જેવી સુવિધાઓ આપવામાં આવેલ જે મહિલા સાથે કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલ કે તેઓ મહારાષ્ટ્ર ધુલિયાના વતની હોવાનું જાણવા મળેલ. જેથી મહિલાના પરિવાર સાથે સંપર્ક કરી તાપી પોલિસ અધિક્ષકની કચેરી અને સોનગઢ પોલીસ સ્ટેશનની મદદ લઈ તેમના ઘરે મૂકવા જવા માટે વાહન અને પોલીસ પ્રોટેક્સનની મદદ મેળવી તા. ૦૮.૦૯.૨૦ના રોજ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક કોકીલા ચૌધરી અને અમિતા ગામીત તથા સોનગઢ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉમેશ ગાવિત, મહિલા કોન્સ્ટેબલ વિનુબેન શિંડા, કોન્સ્ટેબલ શૈલેષ ગામીત દ્વારા મહિલાના પરિવારની મુલાકાત કરી કાઉન્સેલિંગ દરમિયાન જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપી મહિલાને તેના પરિવાર સાથે પુન:સ્થાપન કરાવેલ છે.