સુરતનાં નાગરિક સુવિધા કેન્દ્ર અને જિલ્લાની મામલતદાર કચેરીઓ ખાતે, ડુપ્લીકેટ મતદાર ઓળખકાર્ડ મેળવી શકાશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માત્ર અધિકૃત સ્થળોએથી જ આપવામાં આવે છે. સુરત શહેર માટે નાગરિક સુવિધા કેન્દ્ર, મજુરા મામલતદાર કચેરી પાસે, અઠવાલાઈન્સ, તથા સુરત શહેર સિવાયના વિસ્તાર માટે સબંધિત મામલતદાર કચેરી ખાતે આવેલા નાગરિક સુવિધા કેન્દ્રો પરથી જ જરૂરી પુરાવાઓ રજુ કર્યેથી નિયત ચાર્જ રૂા.૩૦/- વસુલીને ઓળખકાર્ડ આપવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈપણ સ્થળેથી ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવતા નથી. આ અધિકૃત સ્થળો સિવાયના સ્થળોએ ગેરકાયદેસર રીતે મતદાર ઓળખ કાર્ડ આપવામાં આવતા હોવાનું ધ્યાને આવે તો તુરંત જ સબંધિત પ્રાંત અધિકારી કે મામલતદાર કચેરીને જાણ કરવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. જો કોઈ વ્યકિત ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ ઓળખકાર્ડ બનાવતા હોવાનું તંત્રના ધ્યાને આવશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, સુરતે જણાવ્યું છે.