કેવિકે, વ્યારા ખાતે ખેડૂતોની આવક વધારવા મશરૂમની ખેતી વિશેની ૪ દિવસીય તાલીમ યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આપણો ભારત દેશ એ વસ્તીમાં ચીન પછી બીજા ક્રમે આવતો દેશ છે. આપણી વધતી જતી વસ્તીને પૂરતો ખોરાક પુરો પાડવોએ કૃષિ વેજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય રહયો છે. અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં કુપોષણ ખાસ કરીને ખોરાકમાં પ્રોટીનની અછતએ મુખ્ય સમસ્યા છે. હાલમાં આપણાં દેશનું સ્થાન પ્રોટીનના ઉપયોગની બાબતમાં અન્ય દેશોની સરખામણીએ ખુબજ પાછળ છે. બીજુ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી વર્ષે લગભગ ૧૧૫૦ મિલીયન ટન જેટલી કૃષિની ઉપપેદાશ / કૃષિ અવશેષો જેવા કે ઘઉની પરાળ, ડાંગરની પરાળ, શેરડીની બગાસ, વિગેરે ઉત્પન્ન થાય છે. જેમાનો અડધો અધડ જથ્થો વપરાયા વગરનો પડી રહે છે અને આવા કચરાનો નાશ કરવો એ પણ એક મોટી સમસ્યા છે. ઉપરોકત સંદર્ભમાં મશરૂમની ખેતી એ ઉપરના બંને પ્રશ્નોને હલ કરી શકે છે. મશરૂમની ખેતી એ ખુબ જ ઉપયોગી બાયો ટેકનોલોજીકલ પ્રક્રિયા છે. જેમાં નકામા પાકમાં અવશેષો આપણે ગુણવત્તા યુકત ખોરાક બનાવવામાં કરી શકીએ છીએ.

તાપી જિલ્લાના ખેડૂતોને મશરૂમની ખેતી વિશે જાણકારી મળે તે હેતુથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( કેવિકે ) વ્યારા અને ડૉ . આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ, જિ. તાપીના સંયુકત ઉપક્રમે તા.૦૭ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ દરમિયાન ૪ દિવસીય મશરૂમની ખેતી વિશેની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના મા.વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી કે.એ.પટેલ દ્વારા ખેતી અને પશુપાલન સાથે ઓછા ખર્ચે મશરૂમની ખેતી કરી આવક મેળવવા ઉપસ્થિત ખેડૂતોને પ્રોત્સાહીત કરેલ હતા.મશરૂમમાંથી વિવિધ વાનગીઓ બનાવી આત્મનિર્ભર બનવા માટે હાકલ કરી હતી. કેવિકેના વડાશ્રી ડૉ.સી.ડી. પંડયાએ ખેડૂતોને આવક વઘારવા મશરૂમની ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ઓછા ખર્ચે વધુ આવક મેળવવા માટે મશરૂમની ખેતી કરવા ખેડૂતોને હાકલ કરી હતી. કેવીકેના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક, ડૉ.સચિન એમ. ચવ્હાણ દ્વારા મશરૂમની ઉપયોગીતાઓ, મશરૂમનો ઈતિહાસ, ગુજરાતમાં મશરૂમ ખેતીની તક, તેના ઉત્પાદન માટે અનુકૂળ વાતાવરણ, મશરૂમના વિવિધ પ્રકાર, મશરૂમની ખોરાક તરીકે વિવિધ ઉપયોગીતાઓ, આરોગ્યની દ્રષ્ટિએ મશરૂમના ફાયદાઓ, વિવિધ મશરૂમની ઉછેર પધ્ધતિ, મશરૂમ ઉત્પાદનના અગત્યના મુદ્દાઓ, મશરૂમનાં રોગ- જીવાતોની ઓળખ અને તેનું વ્યવસ્થાપન વિશેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. સાથે સાથે ઢીંગરી (ઓઈસ્ટર) મશરૂમ ઉગાડવા માટે પધ્ધતિ નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને ડાંગરના પરાળના ટુકડા કરવાના, પરાળના ટુકડાને જંતુ મુકત કરવાની પધ્ધતિ, મશરૂમના બિયારણ અને પરાળના ટુકડાને પ્લાસ્ટિક બેગમાં ભરવાની પધ્ધતિ વિશે પ્રેકટીકલ દ્વારા માહિતગાર કર્યા હતા. ખેડૂતોને કેવીકે વ્યારાના માર્ગદર્શન હેઠળ મશરૂમની ખેતીમાં પ્રગતિ પામેલ મહિલા ખેડૂત અંજનાબેન ગામિતના મશરૂમ યુનિટની નાનીચીખલી ગામે મુલાકાત પણ કરવામાં આવેલ હતી. તાપી, નવસારી, અમદાબાદ અને સૂરત જિલ્લામાંથી કુલ ૩૪ ભાઈ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. મશરૂમની ખેતી વિશે વધુ માહિતી અને તાલીમ લેવા માટે કે વિકે વ્યારાનો સંપર્ક કરવો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other