તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં,૧૨ દિવસ લોકડાઉન જાહેર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા દશ દિવસ કરતાં વધુ દિવસોથી તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં અને કેટલાક લોકોએ જીવ ગુમાવી દેતાં, ગ્રામ પંચાયત દ્વારા આવતી કાલ તારીખ ૧૨ મીથી ૧૨ દિવસ સુધી લોકડાઉન રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભા આજે સરપંચ નિકેશકુમાર વસાવાની ઉપસ્થિતમાં યોજાઈ હતી. આ બેઠકમાં ગામમાં કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે. સાથે જ કેટલાકના મરણ પણ થયા છે. જેને ધ્યાનમાં લઈ આ પ્રશ્ને બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું કે આવતી કાલે તારીખ ૧૨ મીથી ૧૨ દિવસ સુધી સમગ્ર ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે સાથે જ બજારનો સમય સવારે ૭ થી બોપોરે ૧૧ વાગ્યા સુધીનો રાખવાનું નકકી કરવામાં આવ્યું છે. ગામનાં કેટલાંક વિસ્તારો કોરોન્ટાઇન્ટ જાહેર થઈ ચૂક્યા છે. આ અંગે ઠરાવ કરી ઠરાવની નકલ કલેકટર ,સુરત, મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબઇસ્પેક્ટર, માંગરોળને મોકલવામાં આવી છે. તો બીજી તરફ માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી તરફથી ગામનાં કેટલાક વિસ્તારોમાં કોરોનાની ટેસ્ટીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામની મુખ્ય જુમ્મા મસ્જીદ પણ બંધ રાખવા મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.