કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત, નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા તા. ૭ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ દરમ્યાન રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે તા ૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ ડોલવણ તાલુકાના ધાંગધર ગામે આહાર અને પોષણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધાંગધર ગામના કુલ ૨૦ આદિવાસી મહિલાઓ અને ખેડૂતોએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા એ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવેલ કે હાલ કોરોના વાયરસની મહામારી છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય વિષે કાળજી લેવી અને સ્વચ્છતાનો વધુ આગ્રહ રાખવો જોઈએ.શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી સમતોલ આહાર લેવો જોઈએ.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ ઉપસ્થિત આદિવાસી ખેડૂતો અને મહિલાઓને આહાર અને પોષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સમતોલ આહાર, વિવિધ પ્રકારના પોષક તત્વો અને તેના કાર્યો, નાગલી અને ફણગાવેલા કઠોળનું આહારમાં મહત્વ, પાંડુરોગ અને સિકલસેલ એનીમિયાને અટકાવવા માટે લેવામાં આવતી કાળજી તેમજ શરીરમાં હીમોગ્લોબીન વધારવા માટે જરૂરી લોહતત્વયુક્ત ખાધ્યપદાર્થો વિગેરે વિષે વિસ્તૃતમાં ટેકનિકલ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.વધુમાં, તેમણે દરેક ઘરે કે ખેતરમાં ઓછામાં ઓછું એક સરગવાનું વૃક્ષ ઉછેર કરવા ઉપર ભાર મુક્યો હતો.
પોષણ જાગૃતિ કાર્યક્રમ સાથે ધાંગધર ગામની આંગણવાડી ખાતે સરગવો તેમજ ફણસનું ઉપસ્થિત વૈજ્ઞાનિશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે બરડીપાડા ગામની જીવનજ્યોત સ્કૂલ ખાતે પણ સરગવો અને ફળઝાડની રોપણી કરવામાં આવી હતી. ત્યારબાદ ધાંગધર ગામની આદિવાસી મહિલાઓને વૃક્ષારોપણ માટે સરગવો, આમલી, ફણસ, જાંબુ, જમરુખ, બદામ વિગેરે મળી કુલ ૫૦ જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં ધાંગધર ગામના ઉપસરપંચશ્રી ભાવેશભાઈ, ગ્રામ પંચાયતનાં કમીટી સભ્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન અને વનીતાબેન, જીવન વહળ ટ્રસ્ટના સિસ્ટર ઓલિન્દા, જીવનદિપ મહિલા સહકારી મંડળી, બરડીપાડાના પ્રમુખશ્રી ઈન્દુબેન ચૌધરી, ધાંગધર ગામની આંગણવાડી વર્કર મહિલાઓ અને કેવિકે-વ્યારાના વૈજ્ઞાનિકશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other