સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓલપાડ શાખાના મેનેજર દ્વારા કરંજના સી.આર.સી. વિજય પટેલ તથા અન્યનુ સન્માન કરાયુ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે વ્યક્તિની માતા અને બીજા ઉત્તમ શિક્ષક. માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે.પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક થકી જ પ્રાપ્ત કરે છે. જીવનમાં આગળ વધવા માટેનું પ્રેરકબળ અને ચાલકબળ પૂરૂ પાડનાર એવા શિક્ષકોને આજરોજ શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઓલપાડ શાખા દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઓલપાડ શાખાના મેનેજર અમિત કુમારના હસ્તે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભટગામ પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા બહેનો શ્રીમતી કલ્પનાબેન તથા નિમિષાબેનને પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી પ્રતિનિધિરૂપ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ કરંજના સી.આર.સી.કો-ઓર્ડીનેટર વિજય પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બેંકના કર્મયોગી બહેનો તનુજા મેડમ તથા રિયા મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના આ સૌજન્ય બદલ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે બેંક મેનેજર અમિત કુમારનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.