‘નેશનલ બામ્બુ મિશન’ અંતર્ગત સુરત જિલ્લાના “વિસડાલીયા ક્લસ્ટર”નો સમાવેશ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભારત સરકારના કેન્દ્રીય કૃષિ, સહયોગ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા ‘નેશનલ બામ્બુ મિશન’ અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાંથી કુલ નવ કલસ્ટરનું વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતુ. જે પૈકી ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના, સુરત વન વિભાગ હેઠળ કાર્યરત માંડવી ખાતેના ‘વિસડાલીયા કલસ્ટર’નો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલા નવ કલસ્ટર પૈકી સુરતથી ૬૦ કિ.મી.ના અંતરે માંડવી-ઝંખવાવ રોડ પર આવેલું ‘વિસડાલીયા કલસ્ટર’નો સમાવેશએ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ કલસ્ટર દ્વારા વન વિભાગે વિવિધ રોજગારલક્ષી આજીવિકા વૃદ્ધિનું આયોજન કરી સ્થાનિક આદિવાસી તેમજ કોટવાળિયા કુટુંબોને રોજગારી તેમજ સર્વાંગી વિકાસના પ્રયત્નો હાથ ધરાયા છે. વિસડાલીયા કલસ્ટર’ના હેડ શ્રી વિનીત પ્રભાકરે જણાવ્યું હતું કે, આ કલસ્ટર દ્વારા ૧૦૦થી ૧૫૦ વ્યક્તિઓને સીધી રોજગારી તેમજ ૩૫૦થી ૪૦૦ વ્યક્તિઓને પરોક્ષ રોજગારી મળે છે, ખાસ કરીને અહીં પ્રત્યક્ષ રોજગારી મેળવનાર અડધોઅડધ મહિલાઓનો સમાવેશ થાય છે, એક સમયે બામ્બુ કલાકારો દિવસના રૂ.૧૨૦ રોજગારી પ્રાપ્ત કરતા હતા, જે આજે રૂ.૩૦૦/- રોજગારી મેળવે છે. રરાષ્ટ્રીય સ્તરે આ ક્લસ્ટરની નોંધ લેવાતા અહીંના બામ્બુ કલાકારોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે આ કલસ્ટરમાં આજીવિકા માટે વાંસ ફર્નિચર બનાવટ યુનિટ, બેકરી યુનિટ, મશરૂમ ઉત્પાદન યુનિટ, ઓર્ગેનિક મસાલા યુનિટ, પારંપરિક ભોજનની વનશ્રી કેન્ટીન વગેરે પ્રવૃત્તિઓ વન વિભાગના સફળ પ્રયાસો થકી ચાલે છે. ભવિષ્યમાં આ પ્રવૃત્તિઓના વિસ્તૃતીકરણ તેમજ માળખાકીય સુવિધાઓ વધારીને યુનિટ વધુ સુદ્રઢ બને તેમજ વધુમાં વધુ સ્થાનિક લોકોને રોજગારીની તકો વધારવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સુરતના નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયરે સ્થાનિક આદિજાતિ યુવાનો, કલાકારો અને બામ્બુકલામાં નિપુણ મહિલાઓના આર્થિક ઉત્થાનને વધુ વેગ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરી ‘વિસડાલીયા કલસ્ટર’નો ‘નેશનલ બામ્બુ મિશન’ માં સમાવેશ થયો એ સુરત જિલ્લા માટે આનંદની ક્ષણ હોવાનું જણાવ્યું હતું. તેમણે વાંસકલામાં પ્રતિભાવાન સ્થાનિક યુવાનો અને મહિલાઓને પગભર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other