માંગરોળ-ઉમરપાડા તાલુકાના નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ માંગરોળ, BRC ભવન ખાતે યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પંચાયત પ્રેરિત અને માંગરોળ તાલુકા પંચાયત અને ઉમરપાડા તાલુકા પંચાયત આયોજિત નિવૃત શિક્ષકોનો સન્માન સમારોહ BRC ભવન માંગરોળ ખાતે સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતના અઘ્યક્ષ સામસીંગભાઇ વસાવાનાં અઘ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમા મૃત્યુ પામેલા આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને અન્ય શિક્ષકો માટે બે મિનિટનુ મૌન પાડી કરવામાં આવી હતી.નિવૃત થયેલા પંદર જેટલાં શિક્ષક ભાઈ -બહેનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભવો દ્વારા શિક્ષક ભાઈ -બેહનોને સાલ ઓઢાડી, સન્માન પત્ર, પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત મહુવેજ પ્રાથમિક શાળાના મનીષાબેન પરમારને શ્રેષ્ઠ શિક્ષકનુ સન્માન પણ આપવામા આવ્યું હતું. અઘ્યક્ષસ્થાનેથી બોલતા સામસીંગ વસાવાએ જણાવ્યું કે ભાવિપેઢીનુ ઘડતર કરવાનું કાર્ય શિક્ષક જ કરે છે. તે દરેક વિદ્યાર્થીઓને પોતાના માની ભણતરમા વિદ્યાર્થીની કાળજી લેતા હોય છે. માંગરોળ ના TDO દિનેશભાઇ પટેલે જણાવ્યું કે હું આજે જે આ પદ પર છું. તે મારાં ગુરૂજનો (શિક્ષકો ) ને કારણે છું. આજે મને ભણાવેલા દરેક શિક્ષકોને હું યાદ કરૂ છું. એમ જણાવી, નિવૃત થતા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. નિવૃત શિક્ષકોમાંથી કિશોરસિંહ ખેરે પોતાની નોકરીના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ પ્રસંગે બને તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ,તાલુકા સંઘના પ્રમુખ અશ્વિનભાઈ, અન્ય સદસ્યો, ઇમરણખાન પઠાણ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જયારે આભાર વિધિ પ્રવીણ ચૌધરીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મોહનસિંહ ખેર સહિતની ટીમે સુંદર આયોજન કર્યું હતું.