આદિવાસીઓની બેઠકોની ફાળવણીમાં પેસા એકટ અને અનુસૂચિત-૫ની જોગવાઈનું ઉલ્લંધન : મામલતદારને આવેદનપત્ર અપાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં,ચૂંટણીપંચ દ્વારા નવું સિમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસીઓની બેઠકની ફાળવણી પેસા એકટ અને અનુસૂચિત-૫ ની જોગવાઈનું ઉલ્લધન થયું છે. આ પ્રશ્ને આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.માંગરોળ તાલુકાનાં આદિવાસી આગેવાનોએ આજે તારીખ ૫નાં રોજ, માંગરોળના મામલતદાર દિનેશભાઇ ચૌધરીને એક આવેદનપત્ર આપી, જેમાં ઉપરોક્ત વિગતો દર્શાવી આક્ષેપ કર્યો છે કે આદિવાસી વિસ્તારોમાં રાજકીય દ્રષ્ટિકોણ રાખી, આદિવાસી નેતાગીરી અને આદિવાસીઓને ખતમ કરવાનું રાજકીય ષડ્યંત્ર કરાયું છે. આ બેઠકોની ફાળવણી બંધારણીય અધિકારોની જોગવાઈ તથા ભુરિયા કમિટીના અહેવાલને ધ્યાનમાં રાખી કરવાની હતી. જે ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. બહુમતી વસ્તી ધરાવતા અને વસ્તી આધારિત બેઠકો ફાળવવાને બદલે, જે વિસ્તારમાં બહુમતી વસ્તી ધરાવતા ન હોય, તેવા સમાજમાંથી બેઠક ફળવાતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.આદિવાસીઓને રાજકારણમાંથી દૂર કરવાના પેતરા રચાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેની સામે આદિવાસીઓએ સખ્ત વિરોધ કર્યો છે. આવેદનપત્રમાં નવું સિમાંકન જાહેર કરવા માંગ કરી છે. આ પ્રશ્ને કોઈ યોગ્ય નિર્ણય ન લેવાશે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ પ્રસંગે રમણભાઈ ચૌધરી, સુરેશભાઈ વસાવા, કિશોરભાઈ ચૌધરી સહિત આદિવાસી આગેવાનો હાજર રહયા હતા.