તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોની ‘નલ સે જલ’ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ
નલ સે જલ યોજના અંતર્ગત ૯૫૮.૬૫ લાખના ખર્ચે ૪૮ યોજનાઓ મંજૂર, કુલ ૭૩૭૮ ઘર કનેકશન પાણીની રજૂઆત કરતા લોકો સુધી પાણી પહોંચે તે માટે તમામ તાલુકાઓ સાથે પરામર્શ માટે સૂચન કરતા કલેકટરશ્રી આર.જે. હાલાણી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૪ – તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ,વાસ્મો અંતર્ગત નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧ ના કામોની સમીક્ષા અંગે આજરોજ કલેકટરશ્રી આર.જે. હાલાણના અધ્યક્ષ સ્થાને, ઉપાધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા સિંઘ સહિત સમિતી સભ્યોની બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી.
નલ સે જલ યોજના અંતર્ગત અધ્યક્ષ અને કલેકટરશ્રી આર.જે.હાલાણીએ અમલીકરણ અધિકારીશ્રીઓને સુચારૂ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પાણીની રજૂઆત કરતા લોકો સુધી પાણી પહોંચે તે માટે તમામ તાલુકાઓના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓનો સંપર્ક કરવો ખુબ જરૂરી છે. છેવાડાના માનવી સુધી પાણી પહોંચે તે માટે સબંધિત વિભાગો સાથે સંકલન કરવુ જેથી સરકારશ્રીની યોજનાઓ સફળ બની રહે. વધુમાં પૂર્ણ થયેલ યોજનાઓની ડેટા એન્ટ્રી સમયસર થાય તો ચોક્કસ પરિસ્થિતિ અંગે સચોટ માહિતી મળી શકે છે. આપણી પસે કોઈપણ ફરિયાદી ન આવે તેની તકેદારી રાખવી જોઈએ. કુલ ૪૪ યોજનાઓ પુર્ણ થયેલ છે જ્યારે ૫૫ જેટલી યોજનાઓ પ્રગતિ હેઠળ છે. જે વહેલી તકે પૂર્ણ કરવાની રહેશે.
સમિતિ ના ઉપાધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા સિંઘે જણાવ્યું હતું કે પાણીના કામોને પ્રાથમિકતા અપાય તેમજ ૧૫માં નાણાંપંચમાં પાણી અને સેનીટેશન માટે ૫૦ ટકા નાણાં ફાળવવામાં આવ્યા છે. જેથી ગ્રામ્ય લેવલથી જ પાણીના કનેકશન અંગેની ઓનલાઈન એન્ટ્રી ની કામગીરી પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરવો.
યુનિટ મેનેજર, જિલ્લા જળ અને સ્વચ્છતા, વાસ્મો શ્રી જી.એમ. સોનકેસરિયા એ યોજનાઓ વિશે માહિતી આપી હતી કે તાપી જિલ્લાના ગામોમાં લોકભાગીદારીથી પીવાના પાણીની યોજનાઓ માટે આવેલ માંગણીઓનો સર્વે કરી કુલ ૪૮ જેટલી યોજનાઓની આજે સૈધ્ધાંતિક મંજૂરી મળી છે. જેનો ખર્ચ રૂા.૯૫૮.૬૫ લાખ જેટલો થશે. અને ૭,૩૭૮ ઘર કનેકશન મળશે અને કુલ ૪૦,૭૧૪ લોકોને આ યોજનાનો લાભ મળશે.
આજરોજ યોજાયેલ સમીક્ષા બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી હિતેશ જોષી,ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જે.જે. નિનામા, કાર્યપાલક ઈજનેર શ્રી પાણી પુરવઠા શ્રી એસ.એસ. દુબે , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એમ. પટેલ સહિત સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦