ડાંગ જિલ્લામાં પરંપરાગત ખેતી પધ્ધતિથી જરા હટકે નવતર ખેતી કરીને અન્યો માટે પ્રેરણારૂપ બનતા સાહસિક મહિલા ખેડૂત 

Contact News Publisher

હળદરના ઉત્પાદન બાદ મસાલા પાક, ઔષધીય પાક અને વેલ્યુ એડેડ ઉત્પાદનમાં અગ્રેસર ડાંગના દક્ષાબેન બીરારી ;

સરકારની સહાયના ટેકે પોતે આત્મનિર્ભર બની અન્યોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે ;

નવતર પાક સાથે વેલ્યુ એડેડ ઉત્પાદનો, તેનું કલેક્શન, પેકેજીંગ, અને સેલિંગ કરવાનું સાહસ ખેડીને સિદ્ધિ મેળવતા ડાંગના દક્ષાબેન 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : વઘઇ: તા: ૩: સામર્થ્યવાન ગુજરાતીઓ વિકાસના નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે. વિકાસનો અવિરત માર્ગ પકડીને ગુજરાતે “સૌનો સાથ-સૌનો વિકાસ” એ મંત્રના વિશ્વાસ સાથે “ગતિશીલ ગુજરાત”નો નવો મહામંત્ર અપનાવ્યો છે. ત્યારે ગુજરાતના એક અગત્યના પાસા તરફ સૌનુ ધ્યાન ખેંચાયા વિના રહેતું નથી, અને તે છે “મહિલા સશક્તિરણ”.

રાજ્યના છેવાડે આવેલા અને સો ટકા આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા ડાંગ જિલ્લામાં પણ સમાજના દરેક ક્ષેત્રે આજે નારીઓ કાઠુ કાઢી રહી છે. ત્યારે ડાંગ જીલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા (રંભાસ) ગામના આવા જ એક સાહસિક મહિલા શ્રીમતી દક્ષાબેન બીરારીની વાત આજે અહી પ્રસ્તુત કરી છે.

સહ્યાદ્રિની ગીરીકન્દ્રાઓ અને અહીની વિશિષ્ટ ભૂપૃષ્ઠમાં હળદરની નવતર ખેતી કરીને ડાંગના મહેનતકશ મહિલા દક્ષાબેન બીરારીએ અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.

માત્ર સાત, આઠ વર્ષથી જ થતી હળદરની આ નવતર ખેતીને કારણે ડાંગ જિલ્લાની આ શુદ્ધ અને પ્રાકૃતિક હળદરની સોડમે રાજ્યના સીમાડા વળોટી દીધા છે. વિશેષ કરીને સાપુતારા, નાશિક, શિરડી, શનિદેવ જેવા સ્થળોએ જતા આવતા સહેલાણીઓ અહીની હળદરના રીતસરના ચાહક બની ગયા છે. એક વખત જેને આ હળદરનો સ્વાદ જીભે લાગ્યો તે દર વર્ષે અંબિકા ફાર્મની હળદર જ લેવાનો આગ્રહી બની જાય છે, એમ આ નવતર ખેતીના પ્રણેતા સાહસિક ખેડૂત દક્ષાબેન બીરારીએ ગર્વ સાથે જણાવ્યું હતું. છેક સૌરાષ્ટ્ર અને કચ્છથી પણ નિયમિત ગ્રાહકો અહી આવીને આ શુદ્ધ હળદરની ખરીદી કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિથી જરા હટકે એવી આ હળદરની ખેતી તરફ આપનું લક્ષ્ય કેમ ગયું તેવા એક સવાલના જવાબમાં દક્ષાબેને જણાવ્યું કે, “શરૂઆતમાં અમારા ગ્રુપના પાંચ, સાત કુટુંબો માટે જ અમે હળદર કરતા હતા. ત્યાર બાદ આ હળદરની ખ્યાતી અને સોડમ આસપાસના લોકોમાં પણ પ્રસરી, અને તેની માંગ થવા માંડી, ત્યારે અમને નિયમિત રીતે હળદરની ખેતી કરવાનું મન થયું”.

“શરૂઆતમાં હળદરના બિયારણની પણ ખુબ તકલીફ રહેતી હતી. છેક તાપી જિલ્લાના ઉચ્છલ અને નિઝર જેવા વિસ્તારોમાંથી બિયારણ લાવીને અહી તેની ખેતી કરવાની શરૂઆત કરી. આજે હળદરના વેચાણ ઉપરાંત અહીંથી બિયારણ પણ અન્ય વિસ્તારોમાં ખેડૂતો લઇ જઈ રહ્યા છે” એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આજે એક થી લઈને સાત એકર સુધીમાં હળદરનું સફળ વાવેતર કરીને ટનબંધ હળદરનો વેપાર કરતા દક્ષાબેન હળદર તૈયાર કરવાનું આખે આખું પ્રોસેસિંગ યુનિટ પણ સરકારની સહાયથી ચલાવી રહ્યા છે. હળદરને બોઈલર મશીનમાં વરાળથી બાફી, પોલીસ્ડ ડ્રમમાં તેને સુકવી, છાલ ઉતારીને ગાઠીયા તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ એક અલાયદા મશીનમાં તેના ટુકડા કરી, ઘંટીમાં દળી તેને ચારણામાં ચાળીને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.

“આખી આ પ્રક્રિયામાં વર્ષે એક પાક માંડ લઇ શકાય છે” તેમ જણાવી દક્ષાબેને કહ્યું કે, “બાગાયત” વિભાગ અંતર્ગત અમને બોઈલર મશીન લેવા માટે જે તે સમય રૂ.૫ લાખની લોન, સબસીડીની સહાય સાથે આપવામાં આવી હતી. જેના સહારે અમે અહી આખુ આ પ્રોસેસિંગ યુનિટ જામલાપાડા (રંભાસ) ખાતે સ્થાપી શક્યા છીએ”.

“આજે સાપુતારા જતા-આવતા દરેક પ્રવાસીઓ વઘઈ-સાપુતારા-નાશિક આંતરરાજ્ય ધોરી માર્ગ ઉપરથી પસાર થતા હોય ત્યારે આ હળદરની સોડમ તેમને અહી બે મિનીટ રોકવા માટે ચોક્કસ જ મજબુર કરે છે. અહીની હળદર એક વાર જે રસોડામાં દાખલ થઇ તે રસોડું અંબિકા ફાર્મની હળદર વિના રહી જ ન શકે” તેવો આત્મવિશ્વાસ દક્ષાબેને વ્યક્ત કર્યો છે.

“સેલમ” નામની ડાંગ જિલ્લાની આ હળદર સ્વાદશોખીનો માટે એક બ્રાંડ નેઇમ બની ગઈ છે. આમ તો આઠ, દસ જાતની હળદર બજારમાં ઉપલબ્ધ છે. જેમ કે રાજાપુરી, કેસર, રૂપસુંદરી, સુગંધમ, કડપ્પા વિગેરે. પરંતુ સૌથી સ્વાદિસ્ટ અને કલરફૂલ જો કોઈ હળદર હોય તો તે “સેલમ” જ છે તેમ જણાવી દક્ષાબેને છેલ્લા સાત/આઠ વર્ષથી કરવામાં આવતી આ હળદરની ખેતીને કારણે આ સમગ્ર પ્રોસેસિંગ યુનિટ સહિતનો રૂપિયા દસેક લાખના રોકાણનો ખર્ચ કાઢી લીધો હોવાનું જણાવ્યું હતું. “અહીની હળદરમાં કોઈ પણ જાતના રંગ, રસાયણ મેળવવામાં આવતા નથી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ હળદરને પ્રમાણિત કરવામાં આવી છે”, એમ દક્ષાબેન બીરારીએ વધુમાં જણાવ્યું હતું.

પોતાના શિક્ષક પતિ અને ઈજનેરી શાખામાં અભ્યાસ કરતા બે યુવાન પુત્રોની સતત પ્રોત્સાહક નીતિને કારણે આજે દક્ષાબેન ગામડા ગામમા, ઘર આંગણે નવતર ખેતી કરીને સામાજિક સશક્તિકરણની દિશામાં અગ્રેસર થઈને અન્યોને પ્રેરણા પૂરી પડી રહ્યા છે.

જામલાપાડા (રંભાસ) ગામના “મિશન મંગલમ યોજના” હેઠળના “અંબિકા સખી મંડળ”ને પણ દક્ષાબેનના પારિવારિક વ્યવસાયનો લાભ મળી રહ્યો છે. આ સખી મંડળની બહેનોને હળદરના પેકેજીંગ માટે પાઉચ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરીને તેમને ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૧ કિલોગ્રામના હળદરના પાઉચ તૈયાર કરવાનું એક નવતર કામ આપવામાં આવ્યું છે. જેની આવકથી સખી મંડળની બહેનો પણ આર્થિક ઉપાર્જન ક્ષેત્રે “આત્મનિર્ભર” બની રહી છે.

હળદરથી આગળ વધીને પાછલા બે ત્રણ વર્ષોથી આ સાહસિક મહિલાએ અન્ય મસાલા પાકના વાવેતર, ઉત્પાદન, ખરીદ-વેચાણ સાથે વેલ્યુ એડેડ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અહી લાલ મરચું, ધાણા, જીરું, રાઈ, અજમો, ગરમ મસાલા સહિત ઔષધિક પાકો સફેદ મુસળી, અજમાનું પાણી, વરીયાળીનું શરબત, અજમાનું મધ, વરીયાળીનું મધ, રાયનું મધ તથા તલનું મધ પણ મળી રહે છે. તો ઓર્ગેનિક ઉત્પાદનોની શ્રેણીમાં અહિયાં મગ, ચણા, વાલ, અડદ, તુવેર, સોયાબીન જેવા કઠોળ પાકો પણ ઉપલબ્ધ કરાવાયા છે. આ ઉપરાંત ડાયાબીટીસના દર્દીઓ પણ મન તૃપ્ત થાય ત્યાં સુધી ખાઈ શકે તેવા લાલ અને કાળા ચોખા, નાગલીની વિવિધ બનાવટો જેવી કે નાગલી પાપડ, નાગલી પાવડર, નાગલીના બિસ્કીટ, ચીકી અને વેફર, સાથે વાંસનું અથાણું, મુરબ્બો, લસણની લાલ ચટણી, તથા હરડે જેવા ઉત્પાદનો પણ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા જિલ્લામાં જ્યા નાગલી, વરઈ, ખરસાણી, અડદ અને તુવેરના પાકથી આગળ કોઈ પણ ખેડૂત કઈ પણ વિચારી જ નથી શકતા, ત્યાં જામલાપાડા (રંભાસ)ના દક્ષાબેન બીરારીએ હળદર જેવા નવતર પાક સાથે વેલ્યુ એડેડ ઉત્પાદનો, તેનું કલેક્શન, પેકેજીંગ, અને સેલિંગ કરવાનું સાહસ ખેડીને સિદ્ધિ પણ મેળવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *