બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, સુરત) : સુરત:સોમવાર: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા એકજૂટ થઈને લડી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ ૧૯ હેલ્થ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રથી આવેલી આયુષ મેડિકલ ઓફિસર, મેડિકલ ઓફિસર અને ડેન્ટલ સર્જનની છ તબીબોની ટીમ કોરોના સંક્રમિત દર્દીઓની સેવા માટે જોડાયા છે. દર્દીઓને પરિવારજન ગણીને તેમની હૂંફભરી સારવાર કરતાં તબીબો કોરોના દર્દીઓનછ આરોગ્યલક્ષી જવાબદારી નિભાવી રહ્યા છે. દર્દીઓની જરૂરિયાત મુજબ મોનિટરીંગ પણ કરી રહ્યાં છે.
તાપી જિલ્લાના મેડિકલ ઓફિસર ડો. પરિમલ પટેલ અને ડો. નિકુંજ ચૌધરી, આયુષ મેડિકલ ઓફિસર ડો. ચેતન ચૌધરી અને ડો. નરેન્દ્ર ચૌધરી તેમજ ડેન્ટલ સર્જન ડો. સુમિત કોકલોતર અને ડો.નયન ચૌધરીએ ટીમવર્ક સાથે સ્મીમેરના આરોગ્ય તંત્રને મદદરૂપ થઈ રહ્યા છે. તાપી જિલ્લાના છ કોરોના યોદ્ધાઓની ટીમે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાઇને સેવા સાથે માનવધર્મ પણ નિભાવ્યો છે.
તાપી જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડોલવણના ડેન્ટલ સર્જન ડો. સુમિત કોકલોતરે જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા કરતા હું પણ કોરોના સંક્રમિત થયો હતો. ૧૦ દિવસ સારવાર લીધા બાદ સ્વસ્થ થયો હતો. ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈન પિરીયડ પુરો કરી પુનઃ દર્દીઓની સેવા કરવાં અમારી ટીમમાં જોડાઈ ગયો. કોરોનાની મહામારીના સમયમાં મારી ધર્મપત્ની પણ કોરોના સંક્રમિત થયા હતા. દેશ અને રાજ્ય પર આવી પડેલી મુશ્કેલીના સમયે અમારા જેવા તબીબોની સૌથી વધુ જરૂર હોય છે. અમારી તબીબી ફરજ બજાવવાનું ચૂક્યા નથી. અમે પોતાની નૈતિક ફરજ નિભાવી છે.
તાપીના આયુષ મેડિકલ ઓફિસર ડો. ચેતન ચૌધરીએ કહ્યું કે, કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં ‘ઝાઝા હાથ રળિયામણા’ના સુત્રને ન્યાય આપવા ‘ટીમ વર્ક’ સાથે કોરોનાના વ્યાપને રોકવા તમામ પ્રયાસો કરીશું.
તાપી આરોગ્ય વિભાગની તબીબી ટીમ ઘરપરિવારની દૂર સુરત આવી કોરોનાદર્દીઓની સેવામાં વ્યસ્ત છે અને સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબી સ્ટાફ સાથે ખભે-ખભા મિલાવી કોરોના દર્દીઓને સ્વસ્થ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યાં છે.
-૦૦-

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *