નર્મદા : ડુંમખલ ગામના દેવનદીમાં 3 વર્ષની બાળકી તણાઇ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા- માંગરોળ): દેડીયાપાડા તાલુકાના ડુંમખલ ગામના દેવરા ફળિયાની દેવનદી પર ખુબજ વધારે પાણીનો વેગ વધારે હોવાના કારણે 3 વર્ષ ની બાળકી રંજુબેન બાબુભાઈ તડવી નદીમાં તણાઈ જતા 3 દિવસ સુધી મૃતદેહ નહી મળતા વધુ તપાસ હાથ ધરતા 13 કી.મી. દૂર નર્મદા ડેમના બંધના પાણીમાં તપાસ કરતા 4 દિવસે મૃતદેહ મળી આવ્યો હતો.
ગામના સ્થાનિક આગેવાન કનુભાઈ ભાણાભાઈ તડવી , સરપંચશ્રી અનિરુદ્ધભાઈ અને સ્થાનિક યુવા ભરતભાઈ.એસ તડવી(NVG) એ જણાવ્યું કે આ સમસ્યા ઘણા વર્ષોથી આ દેવ નદી પરના બનાવો બને છે અને આ દેવ નદી પર ગુજરાત સરહદના ગામો કણજી , દુમખલ,સરિબાર સહિત કુલ 7 નાના કોઝવે આવેલા છે, જેના કારણે દેવ નદીના પાણીનો પ્રવાહ કૉઝવેના ઉપરથી જાય છે,જેના કારણે ગામના વિદ્યાર્થીઓ આંગણવાડી કેન્દ્રોના બાળકો, નોકરિયાત કર્મચારીઓ,સ્થાનિક ખેડૂતો આવીજ રીતે કૉઝવે પાર કરી ને જવું પડતું હોય છે,જેના કારણે પાણી માં તણાઈ કે ડૂબી જવાની ઘટના બને છે.
અને આવી સમસ્યા ચોમાસાની ઋતુમાં ઘણી ગંભીર સમસ્યા સર્જાતી હોય છે તેથી સરકારશ્રી અને સ્થાનિક લોક મતાધિકાર પ્રતિનિધિઓ આ વિસ્તારના લોક હિતની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે નાના કોઝવેની જગ્યાએ મોટા પુલોની મંજુરી આપે, આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે અને વારંવાર સરકાર અને સ્થાનિક સમાજના ઉચ્ચ પ્રતિનિધિને રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ કેમ કોઈ મંજુરી મળતી નથી? એવા પ્રશ્નો આ વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં થઈ રહ્યો છે. અને હવે જોવું એ રહ્યું કે આ પ્રશ્નો નું નિવારણ સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે કરવામાં આવે છે કે પછી આવી રીતે જ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે.