ડાંગ : દિવડયાવન થી ચીખલાને જોડતા કોઝવે પર ફરી વળતા કોઝવેનું નામોનિશાન મટી ગયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના પગલે ગાંડીતુર બનેલ પૂર્ણાં નદીના ધસમસતા પૂરના પાણી દિવડયાવન થી ચીખલાને જોડતા કોઝવે પર ફરી વળતા કોઝવેનું નામોનિશાન મટી જતા આ વિસ્તારના લોકોને ભર ચોમાસે ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દિવડયાવન થી ચીખલા ને જોડતો કોઝવે ગત રોજ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણાં નદીના ધસમસતા વહેણ કોઝવે પર ફરી વળતા કોઝવે પર બનાવવામાં આવેલ સળિયા સાથેનું સ્લેબ ઉખડી જઇ તણાય જતા માર્ગનું અસ્તિત્વ મટી જતા આ વિસ્તારના લોકો જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા થવા સાથે બીમારી કે ઇમરજન્સી વખતે દવાખાના સુધી પહોંચવા પણ દુષ્કર બની જતા ભારે મુશ્કેલી ઉભી થવા પામી છે. હાલ ચોમાસુ પણ પૂર્ણ સબાબ પર હોય વૈકલ્પિક વ્યવસ્થા ની પણ કોઈ શકયતા ન હોય લોકો ટાપુ પર ફસાય ગયા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. હાલ આ વિસ્તારના લોકો કોઝવે પર પગપાળા જવાય તેવી પરિસ્થિતિમાં મોટર સાયકલ ચલાવી ભયજનક સ્થિતિમાં અવરજવર કરી રહયા છે, આ બાબતે વહીવટી તંત્ર ગ્રામજનોને કોઈ દુર્ઘટનાનો ભોગ બનવું પડે તે પહેલાં કોઝવેને હંગામી ધોરણે મરામત કામગીરી કરે તે જરૂરી છે.