કે.વિ.કે., વ્યારા અને રાષ્ટ્ર સેવિકા સમિતિ, વ્યારા-નવસારી વિભાગ દ્વારા આયોજીત ‘કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન’ વિષય ઉપર ઓનલાઈન તાલીમ કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લા ખાતે કાર્યરત છે. હાલ કોરોના વાયરસની મહામારીમાં ખેડૂતો-મહિલાઓ કેન્દ્ર ખાતે માર્ગદર્શન મેળવવા રૂબરૂ આવી ન શકે તે માટે કેન્દ્ર દ્વારા વિવિધ વિષયલક્ષી ઓનલાઈન તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત રાષ્ટ્ર સેવિકા સમિતિ,વ્યારા-નવસારી વિભાગના સહયોગથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા તા. ૨૦/૦૮/૨૦૨૦ના રોજ બપોરે ૩:૦૦ થી ૫:૦૦ દરમ્યાન ગુગલ મીટ માધ્યમ દ્વારા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મુખ્ય વિષય, ”કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન” હતો. સદર વેબીનારમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાંથી કુલ ૪૫ શહેરી/ગ્રામ્ય મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અદ્યક્ષ અને બારડોલી મતવિસ્તારના માનનીય સાંસદશ્રી, શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવેલ કે હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિના કારણે દરેક મહિલાઓ ઘરઆંગણે કે અગાશી ઉપર સજીવ ખેતીથી શાકભાજીનો ઉછેર કરી રોજીંદા આહારમાં ઉપયોગ કરી શરીરની તંદુરસ્તી જાળવી શકે છે,અને સાથે તેમણે ઔષધિય પાકોનો ઉછેર કરવા પર ભાર મુક્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી અને નવસારી કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. કે.એ.પટેલએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવેલ કે સદર ઓનલાઈન તાલીમ દ્વારા માર્ગદર્શન મેળવી દરેક મહિલાઓ કિચન ગાર્ડન/ટેરેસ ગાર્ડન ઘરઆંગણે કરી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી કુટુંબના દરેક સભ્યોનું સ્વાસ્થ્ય સારૂં રાખી શકે છે.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા એ તાલીમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકારી જણાવ્યું હતું કે,આપણા ઘરમાં આપણી નજર સામે ઉગાડેલ શાકભાજીનું ભોજન બનાવીને ખાવું એ અલગ પ્રકારનો લાહવો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. કે. ટીંબડિયાએ ઓર્ગેનિક કિચન ગાર્ડનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કિચન ગાર્ડનમાં વર્મીક્મ્પોસ્ટ, દિવેલીનો ખોળ, લીંબોળીનું તેલ, બકરીની લીંડી, પંચગવ્ય, ગૌમુત્ર વિગેરેનો ઉપયોગ કરી સજીવ ખેતીથી શાકભાજીનું ઉત્પાદન કરવાં જણાવ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ કિચન ગાર્ડન વિષે ટેકનીકલ માર્ગદર્શન આપ્યું હતું.તેમણે શાકભાજીનું આહારમાં મહત્વ અને વૈજ્ઞાનિક પધ્ધતિથી કિચન ગાર્ડન કેવી રીતે બનાવી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બનાવેલ કિચન ગાર્ડન મોડેલ અને ગંગામા વર્તુળ મોડેલની સમજ આપી હતી. વધુમાં જૈવિક ખાતરો અને જૈવિક નિયંત્રણ માટે ફળમાખી ટ્રેપ તથા યલો સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.
ડો. ધર્મિષ્ઠા પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા ટેરેસ ગાર્ડનિંગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં ટેરેસ ગાર્ડનિંગ માટે ઋતુ પ્રમાણે થતાં જુદાંજુદાં પ્રકારના શાકભાજીનું વાવેતર, ઉપયોગમાં લેવાતા કુંડા, પોલીબેગ, અન્ય વસ્તુઓ તેમજ ટુલ્સ, જુદાંજુદાં પ્રકારના મીડીયા પ્રિપરેશન, ધરૂ તૈયાર કરવાની રીત, ખાતર વ્યવસ્થાપન, રોગ-જીવાત વ્યવસ્થાપન અને ટેરેસ ગાર્ડનિંગથી થતાં ફાયદાઓ વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્ર સેવિકા સમિતિના, વ્યારા-નવસારી વિભાગના કાર્યવાહિકા શ્રીમતી કલ્યાણીબેન ડી. પંડ્યાએ ઉપસ્થિત મહિલાઓને ઘરઆંગણે સજીવખેતીથી કિચન ગાર્ડન/ટેરેસ ગાર્ડન કરવાં માટે અનુરોધ કર્યો હતો અને સૌ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ આભારવિધિ કરી હતી