ડાંગનું કુદરતી સૌંદર્ય જોવા પ્રવાસીઓ ઉમટી પડયા : સ્થાનિકો દ્વારા પ્રવાસી-વાહનો રોકી દેતા અફડાતફડીનો માહોલ સર્જાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે છે, પરંતુ હાલ કોરોના મહામારી વચ્ચે જોવા લાયક સ્થળોએ પ્રવાસીઓની ભીડ એકઠી થઈ કોરોના ચેપ ફેલાવાની શકયતાથી પ્રતિબંધ મુકવા આવ્યો છે, તેમ છતાં સોસીયલ મીડિયા વાયરલ થયેલ કુદરતી સૌંદર્યના ફોટો જોઈ સુરતથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડોન જોવા ઉમટી પડતા સ્થાનિક લોકો અને પ્રસાસને ડોન જતો માર્ગ બંધ કરી દેતા પ્રવાસીઓને વીલા મોડે પરત ફરવું પડ્યું હતું.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ચોમાસામાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. જેમાં કોરોના મહામારીની તકેદારી રૂપે ડાંગ વહીવટી તંત્ર દ્વારા ડાંગ જિલ્લામાં નદી, તળાવ, ડેમ, ધોધ, પર્વત જેવા સ્થળોએ પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ છતાં સોસીયલ મીડિયામાં ડોન પર્વત અને ગીધ સંવર્ધન અંગેના અહેવાલ જોઈ રવિવારે સેંકડો પ્રવાસીઓ ડોન હિલસ્ટેશન તરફ પ્રયાણ કરી ગયા હતા, જોકે ડોનના પ્રવેશદ્વાર પરજ સ્થાનિકો દ્વારા પ્રવાસી વાહનો રોકી દેતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોનું કહેવું હતું કે બહારગામથી ડોન ફરવા આવતા પ્રવાસીઓ સોસીયલ ડિસ્ટસીંગ તથા માસ્ક પણ પહેરતા ન હોય કોરોના નિયમનો સરેઆમ ભંગ કરે છે. જેથી ડોન સહિત તળેટી વિસ્તારમાં પણ સહેલાઇથી કોરોનાનો ચેપ ફેલાય તેવી સંભાવનાને ધ્યાને રાખીને બહારગામ થી આવતા તમામ લોકો ને પ્રવેશબંધી ફરમાવી છે.