ડાંગ જિલ્લામાં વિધાનસભાની ખાલી પડેલ બેઠક હસ્તક કરવા ભાજપાએ એડીચોટીનું જોર
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં વિધાનસભાની ખાલી પડેલ બેઠક હસ્તક કરવા ભાજપાએ એડીચોટીનું જોર લગાવ્યું હોય તેમ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની ડાંગ મુલાકાત બાદ નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ની ગુરુવારે ડાંગ મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં 173 બેઠક પર પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા હવે પાર્ટી નો વફાદાર ઉમેદવારની પસંદગી કરવા હાથ ધરેલ કવાયતથી પક્ષ પલટું નેતાઓમાં હડકમ્પ મચી જવા પામ્યો છે. નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ડાંગ મુલાકાત ચૂંટણી ના સમીકરણો બદલવાની શકયતાથી કોંગ્રેસ છાવણીમાં સન્નાટો ફેલાઈ જવા પામ્યો છે, જ્યારે ભાજપા ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર થી આહવા સુધી ઝંડા,અને બેનર લગાવી ભગવામય બનાવવા તડામાર તૈયારી કરી દેવાઈ છે. કોંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવીતે રાજીનામુ આપ્યા બાદ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં કોંગ્રેસના 300 કાર્યકરો ભાજપના વિકાસને પ્રેરાઈ કંઠી ધારણ કરતા ભાજપી કાર્યકરોને નવું જોમ મળ્યું હતું. ગુરુવારે નવા પ્રદેશ પ્રમુખની ડાંગ મુલાકાત બાદ ધારાસભ્ય ની ઉમેદવારી માટે કોના પર પસંદગીનો કળશ ઢોળાશે તેની તરફ સૌ મીટ માંડી રહ્યા છે.