ભાજપ સરકાર દ્વારા જંગલ વિભાગ હસ્તકના બિસ્માર થયેલ ૧૪ માર્ગોને મંજૂરી મળતા ડાંગ વાસીઓમાં ખુશીનો માહોલ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જંગલ વિભાગ હસ્તકના બિસ્માર થયેલ માર્ગોની ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવ ચૌર્યા સહિત પદાધિકારીઓએ રમણલાલ પાટકર, ગણપતભાઈ વસાવા સહિત નિતીનભાઈ પટેલને રજુઆત કરતા ૧૪ જેટલા રસ્તાઓના કામો મંજુર થતા ડાંગવાસીઓમાં ખુશી છવાઈ જવા પામી છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાની ભૌગોલિક ડુંગરાળ પરિસ્થિતિમાં કેટલોક વિસ્તાર રિઝર્વ જંગલમાં આવતો હોય રસ્તા માટે ભોપાલ વન વિભાગમાં મંજૂરી મેળવવી પડતી હોય માર્ગો બિસ્માર રહેવા પામ્યા હતા. હાલ ડાંગ ભાજપા ના આગેવાનોએ મોવડી મંડળમાં ધારદાર રજુઆત કરતા અંદાજે ૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર રસ્તાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેવામાં આ અંતરિયાળ વિસ્તારના માર્ગો નું નવીનીકરણ થતાંજ ડાંગના અંતરિયાળ વિસ્તારના ગામોના વિકાસની હરણફાળ થશે તેમાં બે મત નથી.તેવામાં ડાંગ જિલ્લાના બિસ્માર બનેલા માર્ગો ના વિકાસ માટે ભાજપે કરેલી રજુઆત ને ડાંગ વાસીઓએ બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.