ગિરિમથક સાપુતારા ખાતે વૈતી હોટલમાં કામ કરતા કામદારોને પગાર ન ચૂકવતા કામદારોએ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ
રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે કોરોના મહામારીથી હોટેલ ઉધોગ ને માઠી અસર પહોંચી છે.તેવામાં સાપુતારા ની વૈતી હોટલમાં કામ કરતા કામદારોને પગાર ન ચૂકવતા કામદારોએ કલેકટર ને લેખિત આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : મળતી માહિતી મુજબ કોરોના મહામારીને લઈને હોટલ ઉધોગ સહિત ધંધા રોજગાર ઠપ્પ થઈ જતા સામાન્ય લોકોની કફોડી સ્થિતિ સર્જાઈ છે. સાપુતારા ની વૈતી રોપવે રિસોર્ટ માં કામ કરતા કર્મચારીઓએ ડાંગ કલેક્ટર ને સંબોધી કરેલ લેખિત ફરિયાદ માં જણાવ્યું છે કે સ્થાનિક યુવાનો વૈતી હોટલમાં છેલ્લા 5 મહિના થી પગાર આપ્યો નથી .કોરોના લોકડાઉનમાં પગાર ના અભાવે પરિવારનું ગુજરાન ચલાવવા મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે તેઓ દ્વારા પગારની માંગણી કરતા હોટલના માલિક દ્વારા તોછડું વર્તન કરી હોટલમાંથી હડધૂત કરી દે છે, જેથી કલેકટર દ્વારા કર્મચારીઓને થતી ખોટી કનડગત બંધ કરાવી કર્મચારીઓને પાંચ માસ નું મહેનતાણું ચૂકવાય તેવી માંગ કરવામાં આવી છે, તેવામાં હાલ કોરોના મહામારી વચ્ચે પોતાની મહેનતના પૈસા આપવા આનાકાની કરતા હોટલ માલીક સામે તંત્ર પગલાં ભરી ગરીબ કર્મચારીઓને ન્યાય અપાવે તે જરૂરી બન્યુ છે.