આગામી બે દિવસ દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
ભરૂચ સ્થિત કૃષિ કોલેજના સંશોધકોએ અને કેવીકે, વ્યારા દ્વારા ખેડૂતો માટે 09 ઓગસ્ટ સુધીની એડવાઇઝરી જાહેર કરી
ભારે વરસાદ અને પવનભરી સ્થિતિ પહેલા અને પછી ખેડુતોએ રાખવાની થતી કાળજી……
આઈ. એમ. ડી., અમદાવાદ દ્વારા મળેલ હવામાન આગાહી મુજબ, તાપી જીલ્લામાં આગામી પાચં દિવસ દરમ્યાન (૦૫ થી ૦૯ ઓગસ્ટ, ૨૦૨૦) આકાશ વાદળછાયુ રહેશે અને ભારે વરસાદ (૧૯ મીમી થી ૧૭૦ મીમી) પડવાની સંભાવના છે. મહતમ તાપમાન ૩૫.૦ સે. જયારે લઘુતમ તાપમાન ૨૫.૦ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામા ભેજનું પ્રમાણ ૫૦ થી ૯૦ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ રહેશે જેની સરેરાશ ગતિ ૧૧.૦ થી ૧૯.૦ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
ભરૂચ સ્થિત નવાસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજના સંશોધકોએ ખેડૂતોને વિષમ પરસ્થિતિમાં નુકસાન ન થાય તેથી ૦૯ ઓગસ્ટ સુધીની એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ખેડૂતોએ હાલના વાતવરણને અનુસરીને કાળજી રાખવાની બાબતોનો સમાવેશ કરાય છે. કૃષિ કોલેજના હવામાન શાસ્ત્રના ડો. નીરજ કુમાર, ડો. મનીષ જીંજાળા અને ડો.ડી.ડી.પટેલ સહિતની નિષ્ણાંતોની ટીમ સમયાંતરે ભરૂચ જિલ્લાના તેમજ તાપી જીલ્લાના ખેડૂતો માટે એડવાઇઝરી પ્રકાશિત કરે છે.
૦૯ ઓગસ્ટ સુધીના હવામાન સંદર્ભે તેઓએ હવામાનની આગાહી મુજબ, આગામી ૪૮ કલાક દરમ્યાન ભારે થી અતિ ભારે વરસાદ સાથે વાદળછાયું વાતાવરણની સ્થિતિ રહેવાની શક્યતા છે, તેથી, ખેડુતોને સલાહ આપવામાં આવે છે કે સારા હવામાનની સ્થિતિના થાય ત્યાં સુધી નીંદણનાશક અને નાઇટ્રોજન યુક્ત ખાતરોનો ઉપયોગ મુલતવી રાખવો. વરસાદ પૂર્વે બિનજરૂરી સિંચાઈ ટાળવા કારણકે ભારે વરસાદ સાથે જમીનમાં વધારે ભેજ રહેવાથી પાકને નુકસાન થાય છે અને પાકમાં જમીનજન્ય રોગો થવાની શક્ય વધી જાય છે. રસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળો કેમકે વધુ વરસાદના લીધે પોશક તત્વો નું ધોવાણ થઈ જવાની શ્ક્યતા વધી જતી હોય છે. યાંત્રીક ટેકો આપી ફળ છોડને આધાર પુરો પાડવો જેથી પવન અને ભારે વરસાદથી છોડને ઢળતા બચાવી શકાય. કેળ, પપૈયા, આંબા, ચીકુ જમરૂખ અને દાડમની થડની હિલચાલ અટકાવવા તેની વિરૂધ્ધ દિશામાં ટેકો આપવો. ભારે વરસાદ થવાની સંભાવના હોય તેવી પરિસ્થિતીમાં, ખેડુતોને સિંચાઈ અને આંતરખેડ કામગીરી મોકૂફ રાખવાની સલાહ આપવામાં આવે છે અને ખેતરમાંથી વધારાનું પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરવી. વરસાદને કારણે જમા થયેલ વધારાના પાણીનો નિકાલ કરવો તેમજ ડાંગરના ખેતરોમાં 3-4 સેમી પાણી જાળવી રાખવું. આગામી બે દિવસ દરમ્યાન ભારે વરસાદની શક્યતા હોવાથી જંતુનાશક અને ફૂગનાશક દવાઓનો છંટકાવ મુલતવી રાખવો. માછીમારોને આગામી 2 દિવસ દરમ્યાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવેલ છે. જમીનમાં અતિશય ભેજ અને હવામાં વધારે ભેજ ના કારણે પાકમાં જમીનજન્ય રોગ થવાની શ્ક્યતા વધી જતી હોવાથી જમીનમાં ટ્રાઈકોડર્મા (જૈવિક ફૂગનાશક) ૫૦૦ ગ્રામ/એકર પ્રમાણે જમીન માં આપવું.
સૌજન્ય : કે.વિ.કે. તાપી.