જાહેરનામા પહેલાં કરાઈ હતી જાહેરાત : સુરત-તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને ભાવફેર પેટે બસો દશ કરોડ રૂપિયા ચુકવવાનું શરૂ : અત્યારસુધીનો સૌથી મોટો દૂધભાવફેર ચુકવવામાં આવી રહયો છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સહકારી સસ્થા સુમુલ ડેરીએ એનાં બે લાખ, પચાસ હજાર પશુપાલકોને, અત્યાર સુધીનો સૌથી મોટી દૂધભાવફેરની રકમ દૂધ મંડળીઓએ ચૂકવવાનું શરૂ કરી દીધું છે. આ અંગેની જાહેરાત સુમૂલડેરીએ સુમુલની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધિ થાય એ પહેલાં કરી દીધી હતી. સુરત અને તાપી જિલ્લાના બે લાખ, પચાસ હજાર પશુપાલકોને પ્રતિકીલોફેટ દીઠ ૮૫ રૂપિયા મુજબ કુલ ૨૧૦ કરોડ રૂપિયા દૂધભાવફેર પેટે ચુકવવામાં આવી રહયા છે. હાલમાં જ્યારે કોરોના મહામારી અને લોકડાઉનને લીધે પશુપાલકોને નુકશાન વેઠવાનો સમય આવ્યો છે, ત્યારે સુમુલના પશુપાલકો માટે આ એક આનંદભર્યા સમાચાર છે. સુમુલે ગયા વર્ષ કરતાં આ વર્ષે પ્રતિકીલોફેટ દીઠ પાંચ રૂપિયા વધુ ચુકવ્યા છે. બીજી તરફ પશુપાલકોએ આ દૂધભાવફેરની જે રકમ ચુકવવામાં આવી રહી છે એ બદલ સુમુલ ડેરીનો આભાર વ્યક્ત કર્યો છે.