માંગરોળ : તાલુકામાં ખેતી લાયક પૂરતો વરસાદ ન પડતાં વાવણી કરેલ પાક નિષ્ફળ જવાની ઉભી થયેલી ભીતિ
વર્ષો જૂની માન્યતા મુજબ વરસાદ પડે એ માટે આદિવાસી મહિલાઓ ગ્રામ્ય વિસ્તારોમાં માટી સાથેનું ઘાસ માથા ઉપર મૂકી ઘરે ઘરે ફરે છે
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હવામાન ખાતાના નિયમ મુજબ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ જૂન ની તારીખ ૨૨ ની આસપાસ શરૂ થાય છે, પરંતુ ચાલુ વર્ષે નિયમ મુજબ જોતાં આજે અઢાર દિવસ થઈ ગયા છે છતાં ખેતી લાયક જે વરસાદ જોઈએ તેટલો વરસાદ ન પડતાં વાવણી કરેલા પાકો ઉગશે કે કેમ? એવા વિકટ પ્રશ્નએ ખેડૂતોને મુંઝવણમાં મૂકી દીધા છે, પ્રારંભમાં થોડો વરસાદ પડતાં ખેડૂતોએ કપાસ, તુવેર, જુવાર જેવા પાકોની વાવણી કરી દીધી છે, પરંતુ ત્યારબાદ આ પાકોને ઉગવા માટે જેટલો વરસાદ જોઈએ એટલો વરસાદ ન પડતાં વાવણી કરેલા પાકો નિષ્ફળ જવાની ભીતી ઉભી થવા પામી છે.ત્યારે ગ્રામીણ વિસ્તારમાં વર્ષો જૂની માન્યતા મુજબ આદિવાસી મહિલાઓ માટી સાથેનું ઘાસ માથા ઉપર મૂકી ઘરે ઘરે ફરી, વરસાદ પડે એ માટેનાં ગીતો ગાય છે.