વાલોડના સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ
Contact News Publisher

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાની વિશેષ ઉપસ્થિતિ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. વાલોડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં ગુરુવારે તા. ૨૬ નવેમ્બરના રોજ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંવિધાન દિવસ ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ભારતીય બંધારણ પ્રત્યે જાગૃતિ કેળવવા, બંધારણીય મૂલ્યોનું મહત્વ સમજાવવા તેમજ નાગરિક તરીકેની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે સભાનતા વધારવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય બંધારણના ઘડતરનો ઇતિહાસ, બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત મૂલ્યો, નાગરિકોના અધિકારો અને ફરજો તથા લોકશાહી વ્યવસ્થામાં બંધારણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાનને સ્મરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ બંધારણના પાયાના સ્તંભ સમાન ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સંવિધાન દિવસની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં બંધારણ પ્રત્યે આદર, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને તેવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કોલેજ કેમ્પસમાં NCC કેડેટ્સ, વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
