ઉકાઈ કામધેનુ યુનિવર્સિટી દ્વારા જળાશયમાં પાંજરા આધારિત મત્સ્યપાલન માટેની શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓ અંગે એક દિવસીય સેમિનારનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા જળાશયમાં પાંજરા આધારિત મત્સ્યપાલન માટેની શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓ અંગે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જળાશય આધારિત મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવો, મત્સ્યઉત્પાદનમાં વધારો કરવો તથા સ્થાનિક માછીમાર સમુદાયો અને સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હતો.
કાર્યક્રમમાં લોકસભાના સાંસદ ૨૩ બારડોલી શ્રી પ્રભુભાઈ વસાવા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ડૉ. જયેશ પટેલ, નિયામકશ્રી, વિસ્તરણ શિક્ષણ, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડૉ. હરેશ સોલંકી, આચાર્યશ્રી, મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, નવસારી, તાપી જિલા પંચાયતના ઉપપ્રમુખ, શ્રી અશોકભાઈ ગામિત સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભારત સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અંતર્ગત મંજૂર થયેલા ₹૨.૧૦ કરોડના ખર્ચે ૭૦ પાંજરાઓના મત્સ્યપાલન પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પથી ઉકાઈ જળાશયમાં મત્સ્યપાલન સાથે સંકળાયેલા સ્થાનિક માછીમાર સમુદાયો અને સ્વસહાય જૂથોને રોજગારી તથા આવકવૃદ્ધિની નવી તકો પ્રાપ્ત થશે.
પાંજરા આધારિત મત્સ્યપાલન પદ્ધતિ જળાશયના ઉપલબ્ધ જળવિસ્તારનો અસરકારક ઉપયોગ કરીને મત્સ્યઉત્પાદન વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ પ્રકલ્પથી સ્થાનિક માછીમારોને વૈજ્ઞાનિક પદ્ધતિઓ, આધુનિક ટેકનિક અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન મળશે. ખાસ કરીને સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ માટે આર્થિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની નવી તકો ઊભી થશે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી અમલમાં મૂકવામાં આવેલા આ પ્રકલ્પથી ઉકાઈ જળાશય વિસ્તારમાં મત્સ્યપાલન ક્ષેત્રે નવી સંભાવનાઓ ઊભી થવાની આશા છે. સેમિનાર દ્વારા જળાશય આધારિત મત્સ્યપાલનના વૈજ્ઞાનિક અભિગમ, ઉત્પાદનવૃદ્ધિ અને સ્થાનિક સમુદાયોના આર્થિક સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
