તાપી જીલ્લામાં 3 “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ; 1962” ને કરાઇ કાર્યાન્વિત
(માહિતિ વિભાગ દ્વારા, વ્યારા): વ્યારા: તા: 27: રાજ્યના પશુપાલકોને તેમના પશુઓને પશુ દવાખાના સુધી લાવવા અને લઈ જવામા પડતી મુશ્કેલીના નિવારણ અર્થે, તથા ઈમરજન્સી કેસોમાં પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તેવા હેતુથી રાજ્યની સંવેદનશીલ સરકારે “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ; 1962” રાજયભરમાં કાર્યાન્વિત કરી છે. જે મુજબ તાપી જીલ્લાના પશુપાલકોની સેવામાં પણ 3 જેટલી “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ; 1962” મૂકવામાં આવી છે.
તાપી જિલ્લાના સોનગઢ (ઉકાઈ), વાલોડ (કલમકુઇ), અને નિઝર કેન્દ્રો ખાતે સમર્પિત આ “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ; 1962” તેના નિયત કરાયેલા ગામોમાં ઘરબેઠા વિનામુલ્યે સેવા સારવાર પૂરી પાડશે. નિસ્ણાંત પશુ ચીકીત્સા અધિકારી સહિત પશુ સારવાર માટેની જરૂરી સાધન સામગ્રી અને પૂરતી દવાઓ સાથે જી.પી.એસ. સિસ્ટમથી સુસજ્જ આ એમ્બ્યુલન્સ ; 1962નું મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફત રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા 10 ગામો દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ પી.પી.પી. ધોરણે જી.વી.કે. ઈએમઆરઆઈ મારફતે શરૂ કરાયેલી “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ; 1962” ના લોકાર્પણ વેળા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરી, ખેતી ઉત્પાદન અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગામિત, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.સી.એમ.રાણા તથા વ્યારાના પશુ ચીકીત્સા અધિકારીશ્રી ડો.પી.કે.ફુલેત્રા, જી.વી.કે. ઈએમઆરઆઈના પ્રોગ્રામ મેનેજર શ્રી અશોક જાંગિડ, 108ના પ્રોગ્રામ મેનેજર શ્રી ફયાઝ પઠાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
–