તાપીની આંગણવાડીઓમાં ખીલી રહ્યું છે ઉજ્જવળ બાળપણ

0
તાપીની આંગણવાડીઓમાં ખીલી રહ્યું છે ઉજ્જવળ બાળપણ
Contact News Publisher

ICDSના નવતર પ્રયાસોથી બાળપણને મળી રહ્યો છે સંસ્કાર, શિક્ષણ અને પોષણનો મજબૂત આધાર

— 

રમત-ગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી બાળકોમાં ખીલી રહી છે પ્રતિભા

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૮. :- કોઈપણ સમાજના ઉજ્જવળ ભવિષ્યનો પાયો તેના બાળકોના સુદ્રઢ બાળપણમાં રહેલો છે. બાળકનું સ્વસ્થ શરીર, તેજસ્વી બુદ્ધિ અને સારા સંસ્કારો જ આવતીકાલના સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આ વિચારને સાકાર કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) છેવાડાના ગામ સુધી પહોંચીને બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.

 

આંગણવાડીઓ હવે માત્ર પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કેન્દ્ર રહી નથી, પરંતુ બાળમિત્ર વાતાવરણ ધરાવતા આધુનિક સંસ્કાર કેન્દ્ર તરીકે વિકસી રહી છે. રંગબેરંગી શૈક્ષણિક સામગ્રી, થીમ આધારિત પ્રવૃત્તિઓ, રમતગમત અને આનંદદાયક શૈક્ષણિક પદ્ધતિઓના કારણે બાળકો ઉત્સાહભેર દરરોજ આંગણવાડી પહોંચે છે. અહીં શિક્ષણ ભારરૂપ નહીં, પરંતુ આનંદ અને રમતમાં શીખવાનો અનુભવ બની ગયું છે.

 

તાપી જિલ્લાના આઈ.સી.ડી.એસ. વ્યારા ઘટક-૧ હેઠળ આવેલા વ્યારા સેજાના આંગણવાડી કેન્દ્ર વ્યારા-૨માં પૂર્વ પ્રાથમિક શિક્ષણ હેઠળ નાના બાળકો માટે એકસરખા આકર્ષક ગણવેશમાં થાળીમાં રહેલા રંગબેરંગી બોલ ઝડપથી એકત્ર કરીને બાસ્કેટમાં મૂકવાની રમત ઉત્સાહપૂર્વક રમી રહ્યા હતા. દેખાવમાં સામાન્ય લાગતી આ પ્રવૃત્તિ બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત અસરકારક છે.

 

બોલ એકત્ર કરતી વખતે બાળકમાં એકાગ્રતા, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, આંખ અને હાથ વચ્ચેનું સંકલન, નિર્ણય શક્તિ અને સૂક્ષ્મ સ્નાયુઓનો વિકાસ થાય છે. જ્યારે અન્ય બાળકો તાળીઓ પાડી પોતાના મિત્રને પ્રોત્સાહન આપે છે, ત્યારે તેમનામાં સહભાગિતા, ટીમ સ્પિરિટ, શિસ્ત અને આત્મવિશ્વાસ જેવા જીવનમૂલ્યો પણ સહજ રીતે વિકસે છે.

 

આ તકે વ્યારા સીડીપીઓશ્રી જાસ્મીન ચૌધરીએ કહ્યું કે, આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના માધ્યમથી પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન, રસીકરણ, નિયમિત આરોગ્ય તપાસ, વૃદ્ધિ નિરીક્ષણ તથા સંદર્ભ સેવાઓ જેવી અગત્યની સેવાઓ સતત પૂરી પાડવામાં આવી રહી છે. કુપોષણમુક્ત સમાજના નિર્માણ માટે બાળકો ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ અને સ્વાસ્થ્ય પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે.

 

લાભાર્થી વાલીશ્રી નૂતનબેન એ સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, મારું બાળક યોજનાકીય લાભ સાથે આંગણવાડીમાં રમત-ગમત, શિક્ષણ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ખૂબ સારી રીતે શીખી રહ્યું છે. જેથી તેના આત્મવિશ્વાસ, જિજ્ઞાસા અને કૌશલ્યોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.

 

તાપી જિલ્લા વહીવટી તંત્ર પણ આ દિશામાં સતત સક્રિય છે. જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી સમયાંતરે આંગણવાડીઓની મુલાકાત લઈને શિક્ષણ, પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓની સમીક્ષા કરે છે તથા દૂધ સંજીવની યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર બાળક સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપે છે.

 

આ ઉપરાંત માતૃશક્તિ, બાળશક્તિ, પૂર્ણાશક્તિ અને ટેક હોમ રેશન (THR) જેવી પોષણયોજનાઓના અસરકારક અમલીકરણથી તાપી જિલ્લામાં બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. બાળપણને સુરક્ષિત, સ્વસ્થ અને સંસ્કારસભર બનાવવાના આ પ્રયાસો આજે તાપીની આંગણવાડીઓને માત્ર શિક્ષણ કેન્દ્ર નહીં, પરંતુ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યના મજબૂત પાયા તરીકે સ્થાપિત કરી રહ્યા છે.

આલેખન – સંગીતા ચૌધરી

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *