સુરત જિલ્લાના મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મહુવા ખાતે પુર્ણા નદી ઉપરના જુના અને સાંકડા પુલ પર વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ
ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી હિતેશ કોયા દ્વારા બહાર પડાયું જાહેરનામુ:
વિકલ્પરૂપે આ પુલની નજીકમાં મહુવા-અનાવલ બાયપાસ રોડ ઉપર નવા પુલ ઉપરથી વાહનો પસાર થઇ શકશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટ હિતેશ કોયાએ એક જાહેરનામુ બહાર પાડી સુરત જિલ્લાના મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મહુવા ખાતે પુર્ણા નદી ઉપરના જુના અને સાંકડા પુલ પર વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મૂક્યો છે.
આ પુલની સાંકડી પહોળાઈને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી . સામ-સામે બે વાહનો ક્રોસ થતા હોય તેવી સ્થિતિમાં વાહનચાલકોને ખુબ મુશ્કેલી પડતી હતી , પુલની નજીક મહુવા બાયપાસ રોડ ઉપર નવા પુલ ઉપર હાલ વાહનવ્યવહારની અવરજવર થાય છે. વાહનોને મહુવા ટાઉનમાં અવરજવર માટે ફકત ૮૦૦ મીટર જેટલા અંતરનો ચકરાવો થાય તેમ છે. આમ મહુવા-અનાવલ રસ્તા ઉપર મહુવા મુકામે પુર્ણા નદી ઉપર જુના અને સાંકડા પુલ ઉપરથી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. જનતાની સલામતી જળવાય રહે તે માટે વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવું જરૂરી હોવાથી ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટ હિતેશ કોયા દ્વારા મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગનાં જુના પુલ પર વાહનોની અવરજવર પર કાયમી ધોરણે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
-૦૦-
નઝીર પાંડોર – માંગરોળ